MSME એકમોને લઈને રાજ્ય સરકારનો મહત્વલક્ષી નિર્ણય
Live TV
-
MSME એકમો માટે સોલર પ્રોજેકટના ઇન્સ્ટોલેશનના મંજૂર લોડના પ૦ ટકા કેપેસિટીની મર્યાદા દૂર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ગ્રીન - કલીન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમો પણ સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો ઊદ્યોગ - પર્યાવરણ મૈત્રીપૂર્ણ મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત દેશમાં સતત સૂર્યપ્રકાશ મેળવતું રાજ્ય છે ત્યારે સૌરઊર્જાના વિનિયોગ માટે રાજ્યમાં નાના, લઘુ અને મધ્યમ ઊદ્યોગોને પણ પ્રોત્સાહન મળે તે હેતુસર આ ક્રાંતિકારી અભિગમ અપનાવવામાં આવેલો છે. રાજ્ય સરકારે સૌરઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા ર૦૧પમાં સોલાર પોલિસી જાહેર કરેલી છે તેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે.જે અંતર્ગત MSME એકમો માટે સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશનના મંજૂર લોડના પ૦ ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઇ છે જેથી હવે MSME એકમો મંજૂર લોડના ૧૦૦ ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સ્થાપિત કરી શકશે. વીજ વપરાશ માટે હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનીટ રૂપિયા ૮ માં અંદાજે ર.૭પ થી ૩.૮૦ રૂપિયાનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, આ નીતિ જાહેર કરતું ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે.
