NIFT ગાંધીનગર ખાતે ‘રિસર્ચ કોન્ફ્લૂઅન્સ 2026’ અને એલમની મીટ ‘WEAVE 2026’નો ભવ્ય પ્રારંભ
Live TV
-
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT),ગાંધીનગર દ્વારા 30 જાન્યુઆરી 2026ના રોજ સંસ્થાના કેમ્પસ ખાતે “પ્રચલિત પરંપરા, નવીનતા અને ઉદ્યોગોત્તર ભારત” વિષયક રિસર્ચ કોન્ફ્લૂઅન્સ 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની સાથે જ કલા વાર્તા અને NIFT એલમની મીટ ‘WEAVE 2026’નો પણ ઉત્સાહભેર પ્રારંભ થયો હતો.કાર્યક્રમના પ્રારંભમાં NIFT ગાંધીનગરના ડિરેક્ટર ડૉ. સમીર સૂદએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સંસ્થાનો ઉદ્દેશ્ય રિસર્ચ-સંચાલિત ડિઝાઇન શિક્ષણ અને ભારતની સમૃદ્ધ પરંપરાઓને આધુનિક નવીનતા સાથે જોડવાનો છે. તેમણે યુરોપિયન યુનિયન અને યુકે સાથેના ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ’ (FTA) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્ર ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીશ્રીના “ત્રણ ટી” (ટેક્સટાઇલ, ટેકનોલોજી અને ટૂરિઝમ) પર ભાર મૂકતા તેમણે આ ક્ષેત્રને અર્થતંત્રના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યું હતું.ડૉ. સૂદએ ઉમેર્યું કે ટેક્સટાઇલ ક્ષેત્ર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું રોજગાર કેન્દ્ર છે, જે દેશના 500 જિલ્લાઓમાં આશરે 10 કરોડ લોકોની આજીવિકા પૂરી પાડે છે. તેમણે પાનિપતમાં ટેક્સટાઇલ વેસ્ટ રિસાયક્લિંગ અને ત્રિપુરામાં વેસ્ટ વોટર રિસાયક્લિંગના ઉદાહરણો આપીને ટકાઉ નવીનતા (Sustainable Innovation) દ્વારા વૈશ્વિક નેતૃત્વ પુનઃપ્રાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સેન્ટર ફોર એન્વાયરનમેન્ટ એજ્યુકેશન (CEE) ના સ્થાપક ડિરેક્ટર કાર્તિકેય વી. સારાએ પર્યાવરણ અને ટેક્સટાઇલના સમન્વય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પરંપરાગત વારસાને જાળવીને આધુનિક ટેકનોલોજી જેવી કે સોલર ડ્રાયિંગ અને વોટર રિસાયક્લિંગ અપનાવવાથી ભારત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે છે.6 થીમેટિક ટ્રેકમાં 42 રિસર્ચ પેપરો રજૂ કરવામાં આવ્યા, જેમાં AI, બ્લોકચેન, મેટાવર્સ અને ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ પર ચર્ચા થઈ.પદ્મશ્રી લાવજી પરમાર (તંગાળિયા કલાકાર), મજિખાન મુકવા (લિપ્પન કલાકાર) સહિતના દિગ્ગજ કલાકારોએ પોતાની જીવનયાત્રા અને કલાના વારસા વિશે સંવાદ કર્યો.એલમની મીટ અંતર્ગત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ સ્થાપિત થયો. આ પ્રસંગે લાઈવ પતંગબાજી, મ્યુઝિકલ બેન્ડ પ્રદર્શન અને આકર્ષક ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શોયેબ હુસૈન સાયકલવાલા, અલિન શાહ,નિતિન જૈન અને ડૉ. ભાલચંદ્ર ભાનાજે જેવા ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફ્લૂઅન્સ જ્ઞાનના વિનિમય અને ઉદ્યોગ-શૈક્ષણિક સહકાર માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયું છે.
