અમેરિકાના ન્યૂયોર્કમાં બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો, ઈમરજન્સી લાગૂ કરાઈ
Live TV
-
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં રાતભર ભારે વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાથી ઠેર-ઠેર વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો અને ઘણા લોકો પોતાની કારમાં ફસાઈ ગયા હોવાની પણ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોશુલે કટોકટીની જાહેરાત કરી હતી. સબ-વે સ્ટેશનો અને બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી લોકોની હાલત કફોડી બની છે. મુશળધાર વરસાદના પગલે ન્યૂયોર્કના મોટા ભાગના શહેર પાણી-પાણી થઈ ચૂક્યા છે, અંદાજે 80 લાખ જેટલા લોકો પૂરથી અસરગ્રસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. વિવિધ વિસ્તારોમાં રાતભર 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો જેના પગલે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ ટર્મિનલને પણ બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે રેલ, માર્ગ અને હવાઈ વ્યવહાર થંભી ગયો હતો. આ પહેલા વર્ષ 1960માં ડોન ચક્રવાત દરમિયાન આટલો વરસાદ થયો હતો.
