આજે વર્ષ 2020નું ફિજિયોલોજી અને મેડિસીનનું પ્રથમ નોબેલ પ્રાઈઝ જાહેર
Live TV
-
કોરોના વાયરસનાં કાળા કેર વચ્ચે આજે વર્ષ 2020નું ફિજિયોલોજી અને મેડિસીનનું પ્રથમ નોબેલ પ્રાઈઝ જાહેર થયું છે. આ વર્ષનું નોબેલ પ્રાઈઝ હેપેટાઇટીસ-સી વાયરસની શોધ માટે ત્રણ વિજ્ઞાનીઓને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. બ્રિટિશ વિજ્ઞાની માઇકલ હોટન, અમેરિકન વાયરોલોજીસ્ટ હાર્વી ઓલ્ટર અને ચાર્લ્સ રાઈસને આપવામાં આવ્યું છે. લીવર કે યકૃત પર અસર કરતાં હેપીટાઇટીસ-સી વાયરસની શોધ લીવર કેન્સરના જવાબદાર કારણો જાણવામાં મદદરૂપ થઈ છે. લાંબાગાળા સુધી લીવરનો સોજો આજીવન તકલીફ આપી શકે છે. લગભગ 71 લાખ જેટલા લોકોને આ ચેપ લાગી ચુક્યો છે. આ પહેલાં 1960 સુધીમાં હેપિટાઇટિસ એ અને બીની સમજ વિકસી ચુકી હતી. પરંતુ તેમ છતાં લીવર સંબંધિત રોગો વિશે સંપૂર્ણ માહિતી મળી નહોતી. હેપિટાઇટિસ બીની શોધ બદલ તેમાં સંશોધકને વર્ષ 1976નો નોબલ પ્રાઇઝ મળ્યો હતો. નોંધનયી છે કે, ચાલુ વર્ષે વિજ્ઞાનની પ્રગતિના પ્રતાપે કોરોના માટે ઝડપી ટેસ્ટ અને નિદાન વિકસીત થઈ શક્યા. વાઇરસ સામેની લડાઈમાં હેપિટાઇટિસ સીની શોધ દરમિયાન મળેલા અનુભવો અત્યારે કોરોના કાળમાં ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે.
1960ના દાયકામાં હાર્વી અલ્ટરે અમેરીકામાં જોયુ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતાં દર્દીઓમાં હેપિટાઇટીસ થઇ રહ્યો છે. ઘણાખરા કેસમાં ખ્યાલ આવ્યો કે હેપિટાઇટીસ A અને B સિવાય કોઇ ત્રીજુ અજાણ્યું કારણ જ આ ચેપ માટે જવાબદાર હોઇ શકે. આ વાયરસની ઓળખ કરવી સૌથી મોટો પડકાર હતો, જે ઉપાડ્યો માઇકલ હોટને. માઇકલ હોટને ચિમ્પાઝીઓ પર પ્રયોગ કરીને જેનેટીક સ્તરે હેપેટાઇટીસ-સીની આળખ કરી. હવે વાયરસની શોધ તો થઇ ગઇ પણ સવાલ એ હતો કે શું એક જ વાયરસ હેપેટાઇટીસ શરીરમાં ફેલાવી રહ્યો છે ? તેનો જવાબ આપ્યો RNA વાયરસ પર કામ કરતા અમેરીકન વૈજ્ઞાનિક ચાર્લ્સ રાઇસે. વાયરસના જીનોમમાં એ હિસ્સો શોધા કાઢ્યો જે સંક્રમણ માટે જવાબદાર હતો. આમ આ ત્રણ શોધ લોહી ચડાવવાથી ફેલાતા હેપાટાઇટીસનું રહસ્ય ઉકેલાયું. આ શોધખોળ દરમ્યાન જે પધ્ધતિઓ અને જ્ઞાન પ્રાપ્ત થયુ તે કોરોના વાયરસ સામેની લડાઇમાં ખૂબ જ ઉપયોગી નીવડી રહ્યું છે.
