દેશ-વિદેશમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે ક્રિસમસનો તહેવાર
Live TV
-
સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવાઇ રહ્યો છે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશનાં ઢાકાનાં ખ્રિસ્તી સમુદાય પ્રાર્થના અને ઉજવણી માટે હોલી રોઝરી ચર્ચમાં એકઠા થયા હતા. ખ્રિસ્તીઓનું સૌથી મોટું ધર્મસ્થળ જેરુસલેમમાં ક્રિસમસ સમારોહ પર કોરોના મહામારીની અસર જોવા મળી હતી. ઇસુનાં જન્મસ્થળ બેથલેહમ ખાતે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ કોઈ વ્યક્તિ દેખાતી ન હતી. ઇટાલીમાં પોપ ફ્રાંસિસે સેંટ પીટર્સ બેસેલિકા ચર્ચમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરી હતી. આ પ્રસંગે કોરોના પ્રતિબંધો વચ્ચે 2 હજાર લોકો જોડાયા હતા. આ તકે પોપ ફ્રાંસિસે લોકોને જરૂરિયાતમંદોને મદદ કરવાનો સંદેશ પાઠવ્યો હતો.
દેશભરમાં ક્રિસમસનો તહેવારને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભોપાલમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ તમામ ચર્ચમાં પ્રાર્થનાસભાનું આયોજન કરાયુ હતું. ચર્ચ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠયા હતા. ઇંદોર શહેરનાં વિવિધ ચર્ચમાં વિશેષ શણગાર સાથે ગૌશાળાઓનું નિર્માણ કરવામાં આવ્યુ છે. કેરલમાં ક્રિસમસનો તહેવાર ધૂમધામથી ઉજવાઇ રહ્યો છે. લોકો કોરોના ગાઇડલાઇનનાં પાલન સાથે આ પર્વ ઉજવી રહ્યા છે. તો રેત કલાકાર સુદર્શન પટનાયકે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ઓડિસાનાં પૂરી કિનારે 5 હજાર 400 ગુલાબોનો ઉપયોગ કરીને રેતીથી સાંતાક્લોઝની ભવ્ય કલાકૃતિ બનાવી છે. આ કલાકૃતિ 50 ફૂટ લાંબી અને 28 ફૂટ પહોળી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રિસમસ નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવી છે.
