નાસાનું 6 ફૂટનું DART સ્પેસક્રાફ્ટ 940 મીટરની ઉલ્કાને રોકીને બદલી નાંખશે દિશા
Live TV
-
નાસાએ બુધવારે રાત્રે ધરતીને બચાવવા માટે પોતાનું પ્રથમ ‘ડાર્ટ મિશન’ લોન્ચ કર્યુ. આ મિશનમાં નાસા સ્પેસક્રાફ્ટને ઉલ્કાપિંડ સાથે ટકરાવાશે અને તેમની ગતિ અને દિશામાં પરિવર્તન કરાશે. નાસાએ આ મિશનને DART (ડબલ એસ્ટ્રોઈડ રિડાયરેક્શન ટેસ્ટ) નામ આપ્યું છે. મિશનમાં નાસા એ જાણવાની કોશિશ કરશે કે, અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડને ધરતી સાથે ટકરાવાથી કઈ રીતે રોકી શકાય છે.
નાસાએ આ મિશન પાછળ ખર્ચ લગભગ 2 હજાર કરોડ રૂપિયા છે. સ્પેસક્રાફ્ટ ડીડીમોસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. ડીડીમોસ બે હિસ્સાવાળો એક ઉલ્કાપિંડ છે, જેની સૌપ્રથમ ભાળ 1996માં મેળવવામાં આવી હતી. આ ઉલ્કાપિંડનો મોટો હિસ્સો લગભગ 780 મીટરમાં ફેલાયેલો છે, જ્યારે નાનો હિસ્સો લગભગ 160 મીટરમાં ફેલાયેલો છે, જેને ડિમોર્ફસ કહેવામાં આવે છે. હાલ નાનો હિસ્સો (ડિમોર્ફસ) મોટા હિસ્સા (ડીડીમોસ)ની પરિક્રમા કરી રહ્યો છે.
મિશનનો મેઈન હિસ્સો એક ઈમ્પેક્ટર છે. આ ઈમ્પેક્ટર ઉલ્કાપિંડના નાના હિસ્સા સાથે લગભગ 23760 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાશે. ટક્કરના કારણે ઉલ્કાપિંડના આ હિસ્સાની ઝડપમાં લગભગ 1% ઘટાડો આવશે, જેનાથી તેની ઓર્બિટમાં ફેરફાર થશે. મિશનનો હિસ્સો એક સેકન્ડરી સ્પેસક્રાફ્ટ પણ છે, જેને ઈટાલિયન સ્પેસ એજન્સીએ બનાવ્યું છે. એનું નામ LICIACube છે. આ સેકન્ડરી સ્પેસક્રાફ્ટ ટક્કરથી 2 દિવસ અગાઉ મેઈન સ્પેસક્રાફ્ટથી અલગ થઈ જશે. તેનું કામ ટક્કર દરમિયાન ધરતી પર ફોટોઝ અને બાકી જાણકારી મોકલવાનું રહેશે, જેથી મિશન વિશે અપડેટ મળતા રહે.
