Skip to main content
Settings Settings for Dark

પ્રથમ વખત એન્ટાર્કટિકામાં તાજા પડેલા બરફમાંથી મળ્યું માઇક્રોપ્લાસ્ટિક

Live TV

X
  • દુનિયામાં રોજબરોજ ઘણી બધી અવનવી ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં એન્ટાર્કટિકામાં જોવા મળી છે. પ્રથમ વખત એન્ટાર્કટિકામાં તાજા પડેલા બરફમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે. ન્યુઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ કેન્ટરબરીના પીએચડી વિદ્યાર્થી એલેક્સ એવ્સે એન્ટાર્કટિકાના રોસ આઇલેન્ડ વિસ્તારમાં 19 સ્થળોએથી બરફના નમૂનાઓ એકત્રિત કર્યા અને જાણવા મળ્યું કે તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સ છે. આ સંશોધન 7 જૂનનાં રોજ સાયન્ટિફિક જર્નલ ધ ક્રાયોસ્ફીયરમાં peer -reviewed લેખમાં પ્રકાશિત થયું હતું. વૈજ્ઞાનિકોએ દલીલ કરી છે કે, આ ઘટના ઇકોસિસ્ટમ માટે ખતરારૂપ છે અને માઇક્રોપ્લાસ્ટિકનાં લીધે બરફ પિગળવાનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે. 

    આ માઇક્રોપ્લાસ્ટિક એટલે શું?

    માઈક્રોપ્લાસ્ટિક્સ એ પ્લાસ્ટિકનો નાનો કચરો છે જે ચોખાનાં દાણા કરતા પણ નાનો હોય છે. જેની લંબાઈ 5 મી.મી.થી પણ ઓછી હોય છે. માઇક્રોપ્લાસ્ટિક્સ બે પ્રકારના હોય છે. પ્રાથમિક માઇક્રોપ્લાસ્ટિક્સ એ નાના કણો છે જે હેતુપૂર્વક વ્યવસાયિક ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમ કે, સૌંદર્ય પ્રસાધનોમાં, ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાતા પ્લાસ્ટિક પેલેટ અને નાયલોન જેવા કૃત્રિમ કાપડમાંથી ફાઇબરમાં. ગૌણ માઇક્રોપ્લાસ્ટિક્સ મોટી પ્લાસ્ટિક વસ્તુઓ જેમ કે બોટલ, ફિશિંગ નેટ અને પ્લાસ્ટિક બેગ વગેરેના કચરા દ્વારા રચાય છે. આ બધી વસ્તુઓ જ્યારે પર્યાવરણના સંપર્કમાં આવે છે ત્યારે માઇક્રોપ્લાસ્ટિક રચાય છે. 

    માઇક્રોપ્લાસ્ટિક એન્ટાર્કટિકા કેવી રીતે પહોચ્યું?

    અભ્યાસમાં ઓગળેલા બરફના લિટર દીઠ માઇક્રોપ્લાસ્ટિકનાં સરેરાશ 29 કણો જોવા મળ્યા છે. આ કણો, તેમના ઓછા વજન અને ઓછી ઘનતાને કારણે, 6,000 કિમીથી વધુ દૂરથી હવામાં પ્રસરી કરી શકે છે. જો કે, સંશોધકોએ દલીલ કરી હતી કે એવી પણ સંભાવના છે કે, એન્ટાર્કટિકામાં માનવ હાજરી પણ માઇક્રોપ્લાસ્ટિક મળવાનું કારણ હોય શકે. કર્મચારીઓ દ્વારા પહેરવામાં આવતા કપડાં, પ્લાસ્ટિકનાં સાધનોનાં તૂટેલા ટુકડાઓ અને ગેરવ્યવસ્થાપિત કચરાને કારણે હવામાં ફેલાયેલા માઇક્રોપ્લાસ્ટિકના સંભવત: સ્ત્રોતો સ્થાનિક સંશોધનમાં છે. સ્થાનિક બેઝ કેમ્પ, જેમ કે રોસ આઇલેન્ડમાં સ્કોટ બેઝ અને મેકમર્ડો સ્ટેશનની બાજુના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિક્સની ઘણી મોટી સાંદ્રતા જે વધુ દૂરસ્થ સ્થળોની તુલનામાં લગભગ 3 ગણી વધારે હતી. અહેવાલ મુજબ, કૃત્રિમ પોલિમાઇડ ફેબ્રિકથી બનેલા વેફાઇન્ડિંગ ફ્લેગ્સ, જે મુસાફરી માટે ઉપયોગી છે તે પણ માઇક્રોપ્લાસ્ટિક મુક્ત કરી શકે છે, પ્લાસ્ટિકનાં 13 વિવિધ પ્રકારોમાંથી સૌથી સામાન્ય પોલિઇથિલિન ટેરેફ્થાલેટ (PET), એક પ્રકારનું પ્લાસ્ટિક હતું જેનો ઉપયોગ રોજિંદા વસ્તુઓ જેમ કે, કપડાં, પ્લાસ્ટિકની બોટલો, પેકેજિંગ વગેરેમાં થાય છે. તમામ નમૂનાઓમાં 79 ટકામાં PET મળી આવ્યું હતું. 

    માઇક્રોપ્લાસ્ટિકનો ફેલાવો એટલો વ્યાપક છે કે વિશ્વનાં સૌથી દૂરના અને સૌથી ઓછા રહેવા યોગ્ય સ્થાનો પણ હવે આ કણોથી પ્રભાવિત છે. જે એક મુખ્ય ચિંતાનું કારણ છે. આ કણોની હાજરી એન્ટાર્કટિકાના વિશિષ્ટ ઇકોસિસ્ટમ માટે મોટો ખતરો બની શકે છે. માઈક્રોપ્લાસ્ટિક્સ બાયોડિગ્રેડેબલ નથી અને એકવાર તે પર્યાવરણમાં ભળી જાય પછી તે એકઠા થવાનું શરૂ કરે છે. તેઓ છોડ અને પ્રાણીઓ માટે ઝેરી સાબિત થઈ શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પ્રદેશમાં વિવિધ જીવન સ્વરૂપો દ્વારા માઇક્રોપ્લાસ્ટિક્સનું સેવન, ઝૂપ્લાકટોન જેવા સુક્ષ્મસજીવોથી માંડીને કિંગ પેન્ગ્વિન જેવા મોટા શિકારી પ્રાણીઓ તેમની સામાન્ય જૈવિક પ્રક્રિયાઓને અસર કરી શકે છે અને સમગ્ર એન્ટાર્કટિક ખાદ્ય શૃંખલા પર નકારાત્મક અસર કરી શકે છે. એન્ટાર્કટિકામાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી પણ આબોહવા પરિવર્તનની અસરને વધુ ખરાબ કરી શકે છે. બરફની ચાદર અને હિમનદીઓ પહેલેથી જ ઝડપથી પીગળી રહી છે, ક્રાયોસ્ફિયર એટલે કે જ્યાં બરફ ઘન સ્વરૂપમાં છે તેવા ઉત્તર અને દક્ષિણ ધ્રુવના બરફના ઓગળવાનું કારણ પણ આ માઇક્રોપ્લાસ્ટિક્સ બની શકે છે. વિદ્યાર્થી એલેક્સ એવ્સેના નમૂનામાં ઘાટા રંગના માઇક્રોપ્લાસ્ટિક 55% મળી આવ્યા છે જે આછા રંગના માઇક્રોપ્લાસ્ટિક કરતાં વધારે હાનિકારક છે. કારણ કે તે સૂર્યપ્રકાશને શોષવા અને ગરમીને જાળવી રાખવાની વધારે ક્ષમતા ધરાવે છે. એક અભ્યાસ પ્રમાણે માઇક્રોપ્લાસ્ટિક હવે માત્ર જમીન અને પાણીમાં જ નહીં, પરંતુ હવામાં હાજરી દર્શાવે છે.

    ભારતનાં કુલ 3 રિસર્ચ સ્ટેશન એન્ટાર્કટિકામાં છે. જેમાં પ્રથમ 1984માં સ્થપાયેલ 'દક્ષિણ ગંગોત્રી' છે જે દક્ષિણ ધ્રુવથી 2,500 કિમીના અંતરે આવેલું છે. આ નિષ્ક્રિય સ્ટેશનનો ઉપયોગ સપ્લાય બેઝ અને ટ્રાન્ઝિટ કેમ્પ તરીકે થાય છે. 1988માં સ્થપાયેલ બીજું સ્ટેશન 'મૈત્રી' 65 જેટલા સભ્યોને હોસ્ટ કરી શકે છે. જ્યારે 'ભારતી'ને માર્ચ 2013 માં સ્થાપવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply