પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 મે, 2022 એ યોજાનારી ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લેશે
Live TV
-
ટોક્યોમાં આ મહિને યોજાનારી ક્વાડ નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાના આમંત્રણ પર આ મહિનાની 24મી મે એ ટોક્યોમાં ક્વાડલીડર્સ સમિટ યોજાવાની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન, અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન પણ આ પરિષદમાં ભાગ લેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું કે, ગયા વર્ષે માર્ચમાં પ્રથમ વર્ચ્યુઅલ મીટિંગ પછી ક્વાડ લીડર્સની આ ચોથી પરિષદ છે. ક્વાડ સમિટમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે, અને કાર્યકારી જૂથોની પ્રગતિની સમીક્ષા કરશે.
આ ઉપરાંત, સહકારનાં નવાં ક્ષેત્રોને ઓળખશે તથા ભાવિ સહયોગ માટે વ્યૂહાત્મક માર્ગદર્શન આપશે. ક્વાડ પરિષદની સાથે પ્રધાનમંત્રી મોદી જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. નવી દિલ્હીમાં માર્ચ મહિનામાં યોજાયેલી ભારત-જાપાન વાર્ષિક પરિષદના મુદ્દાઓને આગળ વધારવાની તક મળશે. મુલાકાત દરમિયાન, મોદી જાપાનના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિમંડળને મળશે.
આ ઉપરાંત, જાપાનમાં ભારતીય સમુદાયને મળશે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ ભારત- અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને ગયા સપ્ટેમ્બરમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓની પ્રગતિની સમીક્ષા કરશે, તથા પ્રાદેશિક અને વૈશ્વિક બનાવો સંદર્ભમાં સહિયારા હિતો અંગે વિચારોનું આદાન-પ્રદાન કરશે.
નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયામાં 21મી મે ના રોજ ચૂંટણી યોજાવાની છે. બંને નેતાઓ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને વૈશ્વિક તથા પ્રાદેશિક બનાવો અંગે વિચારોનું આદાનપ્રદાન કરશે.
