રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબ્જો કર્યો, ખારકીવમાં બોમ્બ ફેંક્યા
Live TV
-
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું છે. હવે રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબ્જો કરી લીધો છે. એએફપીના હવાલાથી મળેલા અહેવાલ પ્રમાણે, યુક્રેનના અધિકારીઓએ પુષ્ટી કરી છે કે, રશિયાએ હવે ખેરસોન શહેર પણ કબ્જે કરી લીધું છે. હાલ યુક્રેનમાં રશિયાની સેના સતત હુમલાઓ કરીને યુક્રેનના શહેરો પર કબ્જો જમાવી રહ્યું છે.
યુદ્ધથી યુક્રેનમાં અત્યાર સુધી જાન-માલનું મોટું નુકસાન થઈ ચુક્યું છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું છે કે, રશિયાએ યુક્રેનમાં ચાલુ કરેલા યુદ્ધમાં 1 માર્ચની રાત સુધીમાં 227 નાગરીકોનાં મોત થયા છે અને 525 નાગરીકો ઘાયલ થયા છે.
આ તરફ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા થયેલા ઐતિહાસિક મતદાનમાં રશિયાએ શરુ કરેલા યુદ્ધને વખોડવામાં આવ્યું હતું જેમાં એક ડઝન જેટલા દેશોએ રશિયા સામે યુદ્ધના ગુના અંગે તપાસ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રોમાં રશિયા સામે થયેલી આ કાર્યવાહીને લઈને યુક્રેનના ખારકીવ શહેરમાં રશિયાએ ભારે બોમ્બમારો ચલાવ્યો હતો. ખારકીવ એ યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે.
