વિશ્વના અનેક દેશોમાં શાંત પડેલા કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો
Live TV
-
રશિયા, બ્રિટન, ચીન અને પૂર્વી યુરોપના દેશોમાં કોરોનાના કારણે જીવ ગુમાવતા દર્દીઓની સંખ્યા વધી
વિશ્વના અનેક દેશોમાં શાંત પડેલા કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો નોંધાયો છે. રશિયા, બ્રિટન, ચીન અને પૂર્વી યુરોપના દેશોમાં કોરોનાના કારણે જીવ ગુમાવતા દર્દીઓની સંખ્યા વધેલી જોવા મળી છે. રશિયામાં કોરોના સંક્રમણ ફરીથી વધી રહ્યુ છે. રવિવારે કોરોનાથી 1 હજાર 72 મૃત્યુ નોંધાયા હતા. તો અધિકારીઓ દેશભરમાં કાર્યસ્થળો બંધ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કુલ 35 હજાર 660 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 5 હજાર 279 રાજધાની મોસ્કોમાં નોંધાયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દેશવ્યાપી કાર્યસ્થળો બંધ કરવાની મંજૂરી આપી દીધી છે. રાજધાની મોસ્કોમાં 28 ઓક્ટોબરથી ફરીથી આંશિક લોકડાઉન કરવામાં આવશે. માત્ર મેડિકલ સ્ટોર અને સુપર માર્કેટ જેવી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલી રાખવાની મંજૂરી આપવામાં આવશે. બ્રિટનમાં પણ કોરોના સંક્રમણથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. બ્રિટનમાં ગત એક સપ્તાહમાં જુલાઇ પછી કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. મેડિકલ નિષ્ણાતો અનુસાર આપાતકાલીન વિભાગ પહેલાથી જ કોરોનાનો સામનો કરવા સંઘર્ષ કરી રહ્યા છે. બ્રિટનમાં 3 લાખ 35 હજાર 465 લોકો ગત સાત દિવસમાં પોઝિટીવ થયા હતા. રવિવારે નવા કેસની સંખ્યા 39 હજાર 962 થઇ હતી. અત્યાર સુધી કુલ મૃત્યુ 1 લાખ 39 હજાર 533 નોંધાઇ છે. જે રશિયા બાદ યુરોપમાં બીજી સૌથી વધુ છે.
