આજે દસમો રાષ્ટ્રીય હાથશાળ દિવસની વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે ઉજવણી
Live TV
-
આજે દસમો રાષ્ટ્રીય હાથશાળ દિવસની વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે ઉજવણી
આજે 10 મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ છે. દર વર્ષે 7 ઓગસ્ટના રોજ આ દિવસની ઉજવણી દ્વારા હાથસાળને પ્રોત્સાહન આપવામાં આવે છે. વર્ષ 2015માં હાથશાળ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. હાથશાળના ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બહોળા પ્રમાણમાં લોકો જોડાયેલા છે. અને રોજગારી મેળવે છે.
આજે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય હાથશાળ દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ અને વિદેશ અને કાપડ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટા આ સમારંભમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં સાંસદો, જાણીતી હસ્તીઓ, ડિઝાઇનરો, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને નિકાસકારો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ તેમજ દેશભરમાંથી 1000થી વધુ વણકરો હાજરી આપશે.
આ સમારંભ દરમિયાન હાથવણાટનાં વણકરોને હાથવણાટનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ સંત કબીર પુરસ્કાર અને રાષ્ટ્રીય હાથવણાટનાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ કેટલોગ અને કોફી ટેબલ બુક – "પરંપરા- સસ્ટેનેબિલિટી ઇન હેન્ડલૂમ ટ્રેડિશન્સ ઑફ ઇન્ડિયા"નું વિમોચન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીના વિઝનથી પ્રેરિત થઈને સરકારે 7 ઓગસ્ટ, 2015ના રોજ આ પ્રકારની પ્રથમ ઉજવણી સાથે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી શરૂ કરી હતી. આ તારીખ ખાસ કરીને સ્વદેશી ચળવળની યાદમાં પસંદ કરવામાં આવી હતી, જે 7મી ઓગસ્ટ, 1905ના રોજ શરૂ કરવામાં આવી હતી અને સ્વદેશી ઉદ્યોગો, ખાસ કરીને હાથવણાટના વણકરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય હાથવણાટ દિવસનો ઉદ્દેશ હાથવણાટનાં વણકરોનું સન્માન કરવાનો તથા હાથવણાટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો અને દેશની સાંસ્કૃતિક, પરંપરાગત અને આર્થિક પરિદ્રશ્યમાં તેમનાં પ્રદાનની પ્રશંસા કરીને ગર્વની લાગણી પ્રદાન કરવાનો છે. આ ઉજવણીનો ઉદ્દેશ હેન્ડલૂમ ક્ષેત્રના મહત્વ અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં તેના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.
10માં રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારો, ઓફિસ ઓફ ડેવલપમેન્ટ કમિશનર (હેન્ડલૂમ), એપેક્સ હેન્ડલૂમ સંસ્થાઓ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી, નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નેશનલ ક્રાફ્ટ્સ મ્યુઝિયમ વગેરે સહિતની શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે.
