આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીનો શપથ સમારંભ યોજાશે
Live TV
-
શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ધારાસભ્ય દળના નેતાના નામ જાહેર થઈ ગયા છે. આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીનો શપથ સમારંભ યોજાશે.
મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શપથ સમારોહ
મધ્યપ્રદેશમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ડૉ.મોહન યાદવને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં ડૉ. મોહન યાદવ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પણ શપથ લેશે. મહત્વનું છે કે, ધારાસભ્ય દળની બેઠકમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાને ડે.સીએમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ શપથ સમારંભ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશમાં ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં આજે સવારે 11:30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે.
છત્તીસગઢ મુખ્યમંત્રી શપથ સમારોહ
છત્તીસગઢમાં પણ આજે નવી સરકારની રચના થશે. ધારાસભ્ય દળની બેઠકમાં ચૂંટાયેલા નેતા વિષ્ણુદેવ સાય આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાયપુરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે શપથ સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પણ શપથ લેશે. મહત્વનું છે કે, ધારાસભ્ય દળની બેઠકમાં અરુણ સાવ અને વિજય શર્માને ઉપમુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સહિત દિગ્ગજો હાજર રહેશે. જે માટે ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ ચાલી રહી છે.
