ઉત્તરપ્રદેશ સરકારે લખનઉ, પ્રયાગરાજ અને અન્ય 73 જિલ્લાઓમાં લાગુ કરી કલમ 144
Live TV
-
ઉત્તરપ્રદેશ સરકારે લખનઉ, પ્રયાગરાજ અને અન્ય 73 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઇકાલે ગોળી મારીને હત્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં રાખવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરની પોલીસ હાઈએલર્ટ સ્થિતિમાં આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે નિયમિત સમયાંતરે સમીક્ષા કરી રહ્યા છે. તમામ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓને કોઈપણ ભોગે તેમના વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે અને વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. પ્રયાગરાજના ચકિયા, બેનીગંજ અને ધુમનગંજ સહિત અન્ય વિસ્તારોમાં વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
આ દરમિયાન અતીક અને અશરફના મૃતદેહોનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેઓને આજે બપોરે પ્રયાગરાજમાં દફનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તેમને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી. ત્યારે કાલવિન મેડિકલ કોલેજ નજીક તેમને ગોળી મારી દેવામાં આવી હતી હત્યા બાદ ત્રણેય હુમલાખોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
