કેન્દ્રિય નાણામંત્રી : સરકાર આઠ ટકા વૃદ્ધિ દરના લક્ષ્યાંક પર કામ કરી રહી છે
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે સામાન્ય બજેટ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા, આર્થિક વિકાસમાં સુધારણા કરવા અને સૌને અનુકૂળ હોય તેવા સમાજનું નિર્માણ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
ચેન્નઈમાં આજે વેપાર સંગઠનો, ઉદ્યોગો, ચેમ્બર ઓફ કોમર્સ, બેન્કો, વીમા અને સહકારી મંડળના સભ્યો સાથેની વાતચીતમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે સંસદમાં હજી બજેટ પસાર થવાનું બાકી છે, તેમ છતાં સરકાર બધાને સાથે રાખવા માંગે છે. તેમણે કહ્યું કે બજેટ તૈયાર કરતી વખતે જે 16 મહત્ત્વના મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તે ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્રના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
અર્થતંત્રમાં સુધારણા તરફ સરકારની વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે ખાતરી આપી હતી કે સરકાર આઠ ટકા વૃદ્ધિ દરના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તરફ કામ કરી રહી છે. વધુ માં તેમણે જણાવ્યુ કે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વ્યવસાયનું ધ્યાન રાખવામાં આવશે અને મંત્રાલય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સમસ્યાઓના નિવારણ માટે એક અલગ સેલ બનાવશે.
