કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ભાવ કાબૂમાં લાવવા સ્થાનિક પુરવઠો સુધારવા માટે તેના પર 40 ટકા નિકાસ કર લાદવામાં આવ્યો
Live TV
-
દેશમાં ડુંગળીના સ્થાનિક બજારમાં ડુંગળીનો પુરવઠો સુધારવા માટે તેની નિકાસ પર 40 ટકા કર લાદવામાં આવ્યો છે. આગામી 31મી ડિસેમ્બર સુધી નિકાસ કરની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની સ્થાનિક પુરવઠો સુધારવા માટે તેના પર 40 ટકા નિકાસ કર લાદવામાં આવ્યો છે. ડુંગળીમાં થયેલા ભાવ વધારાને કાબૂમાં લાવવા અને સ્થાનિક બજારમાં પ્રાપ્યતા સુધારવાના હેતુથી કેન્દ્ર સરકારે ગઇકાલથી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદી છે. સમગ્ર મામલે, નાણાં મંત્રાલયે એક જાહેરનામા દ્વારા આગામી 31મી ડિસેમ્બર સુધી નિકાસ કરની બાબત જણાવી, આ કર તરત જ લાગુ થવાની જાહેરાત કરી હતી.
અગાઉ, સરકારે ડુંગળી ની ઉપલબ્ધતા વધારવા માટે તેના બફર સ્ટોક માંથી 3 લાખ ટન ડુંગળી છોડવાની જાહેરાત કરી હતી. ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ સચિવ રોહિત કુમાર સિંઘે ગયા અઠવાડિયે 2 કેન્દ્રીય નોડલ સંસ્થા NAFED અને NCCF ના સંચાલકો સાથે બેઠક કરી, નિકાલ માટેની પદ્ધતિ ને અંતિમ રૂપ આપ્યું હતું. આ ઉપરાંત, NAFED અને NCCF દ્વારા મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જૂન અને જુલાઈ દરમિયાન 1 લાખ 50 હજાર મેટ્રિક ટન રવી ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી.
હાલ દેશના જે રાજ્યો અને પ્રદેશોમા ડુંગળીની છૂટક કિંમત સરેરાશથી ઉપર છે અને પાછલા મહિના અને વર્ષની સરખામણીએ ભાવમાં થયેલ વધારો શરૂઆતી સપાટીથી ઉપર છે ત્યાંના મુખ્ય બજારો ને ધ્યાનમાં રાખી ડુંગળીના સ્ટોકને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
