તિતલી તોફાન ઓડિસાના દરિયા કાંઠે ત્રાટક્યું, 3 લાખ લોકોને ખસેડાયા સુરક્ષિત
Live TV
-
ચક્રવાતી તોફાન તિતલી, ઓડિસાના દરિયાકાંઠા ગોપાલપુર સુધી પહોંચી ગયું છે. તોફાનની અસરથી કેટલાક વિસ્તારોમાં 140થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે. ચક્રવાતી તોફાન ગંભીર પ્રકારનું તોફાન છે, જે ગંજમ જિલ્લા તરફ આગળ વધ્યું છે. સાથે સાથે ખુરદાપુરી,જગતસિંહ અને કેન્દ્રપાડા જિલ્લામાં તેની સૌથી વધારે અસર થવાની શક્યાતા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
તિતલી ચક્રવાતને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા આદેશ કરાયો છે. ચક્રવાત તોફાન બાદ તુરત જ સડક, પાણી અને વીજળી વ્યવસ્થા ઊભી કરવા જણાવાયું છે. નવા આદેશ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ જણાવાયું છે. કેબિનેટ સચિવે નવી દિલ્લીમાં બેઠક યોજીને તૈયારીઓ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજ્ય સરકારના તમામ અધિકારીઓની અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ઓડિસાના દરિયા કાંઠે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ, પાડોશી રાજય આંધ્રપ્રદેશમાં એનડીઆરએફની 4 ટીમ તૈનાત કરવમાં આવી છે. ઓડિસાના 5 જિલ્લામાંથી 3 લાખ લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ઓડિસા સરકારે રાજ્યની તમામ સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોને 10 અને 11 ઓક્ટોબર સુધી બંધ રાખવા જણાવ્યું છે. કેટલાક માર્ગો પર રેલ અને રોડ સેવા બંધ રાખવામાં આવી છે.
