દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
Live TV
-
બિહારની ચાર મુખ્ય નદીઓનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર, કેરળમાં છેલ્લા ચાર દિવસમાં 476 મિલિમીટર વરસ્યો વરસાદ
દેશના અનેક રાજ્યોમાં વરસાદે કહેર મચાવ્યો છે. બિહારમાં નદીઓના જળસ્તર ઘટવા છતાં પૂરની સ્થિતિ હજુ યથાવત રહી છે. અહીંની કોશી અને ગંડક નદીમાં પાણીનો જળ પ્રવાહ અંદાજે પોણા બે લાખ ક્યુસેક રહ્યો છે. રાજ્યની મુખ્ય ચાર નદીઓ કોશી, ગંડક, બૂઢી ગંડક અને બાગમતી નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. જેના કારણે બિહારમાં અંદાજિત 74 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
આ તરફ કેરળમાં પણ વરસાદથી રાહત મળતી હોય તેવું જણાઈ રહ્યું નથી. કેરલ સરકારે કોવિડ-19 ના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 686 પૂર રાહત શિબિરો ઊભી કરી છે. આ રાહત શિબિરોમાં 22,800 વ્યક્તિઓને આશ્રય આપવામાં આવ્યો છે. કેરળના મુખ્યમંત્રી વિજયનએ જણાવ્યુ હતું કે, ઓગસ્ટમાં સરેરાશ 427 મિલિમિટર વરસાદ વરસે છે. પરંતુ છેલ્લા ચાર દિવસમાં 476 મિલિમિટર વરસાદ વરસી ચૂક્યો છે. મહત્વનું છે કે, કેરળના ઇડ્ડુકીમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 49 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ સાથે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે.
