પ્રધાનમંત્રીએ ઘોઘા- હજીરાને જોડતી રો-પેક્ષ ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
આજે સવારે 11 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોઘા અને હજીરાને સમુદ્રી માર્ગે જોડતી રો-પેક્ષ સેવાનું વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરી ત્યાંના લોકો સાથે વાતચીત કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઘોઘા અને હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનું વર્ચ્યુઅલ રીતે એટલે કે વિડિઓ કોન્ફરેન્સિંગથી ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સેવાને ગુજરાતની જનતા માટે સરળ, આરામદાયક અને લાભદાયી પરિવહન ગણાવી. તેમણે કહ્યું કે આ સેવાના ચાલુ થવાથી લોકોની પરિવહનની સગવડ સુધારશે અને આ ક્ષેત્રમાં આર્થિક સમૃદ્ધિને વેગ મળશે. પ્રધાનમંત્રી મોદીએ આ સેવાથી જે લોકોને લાભ થવાનો છે એવા લોકો સાથે વિડીયો કોન્ફરેન્સિંગના માધ્યમથી રુબરુ વાતચીત કરી અને એ લોકોના આ સેવા પર વિચારો સાંભળ્યા.
રો-પેક્ષ ફેરી સેવાથી 2 પ્રાંતોને સમુદ્રી માધ્યમથી જોડવામાં આવ્યા એ દેશના આર્થિક વિકાસ તરફ એક મોટું પગલું છે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સેવાના ઘણા ફાયદા થશે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સેવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર 370 કિલોમીટરથી ઘટીને 90 કિલોમીટર થઇ જશે. આ ઘટાડેલા સમય અને કિલોમીટરના પરિણામે દિવસમાં આશરે 9000 લિટર જેટલા બળતણની વિશાળ બચત થશે અને રોજના આશરે 24 મિલિયન ટન જેટલા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ સેવાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરળતાથી પ્રવેશ સાથે પર્યટન ઉદ્યોગને પણ ગતિ મળશે અને નવી રોજગારની તકો પણ ઉભી થશે. આ સેવા ચાલુ થવાથી 13 કલાકની મુસાફરીનો સમય ઘટીને 4 કલાક થઇ જશે. પ્રધાનમંત્રીએ આગળ સંબોધન કરતા ફરી એક વાર વોકલ ફોર લોકલનું સૂત્ર યાદ રાખવા જણાવ્યું હતું અને રો-પેક્ષ ફેરીને લીલો ઝંડો બતાવીને તેની શરૂઆત કરી હતી.
આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ વર્ચુઅલ માધ્યમથી હાજર રહ્યા હતા.
