પ્રધાનમંત્રી આ મહિનાની 22મી તારીખથી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસીય મુલાકાતે જશે
Live TV
-
40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ગ્રીસની આ પ્રથમ મુલાકાત હશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 22મી તારીખથી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસીય મુલાકાતે જશે. 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માતામેલા સિરિલ રામાફોસાના આમંત્રણ પર 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.
2019 પછી આ પ્રથમ વ્યક્તિગત બ્રિક્સ સમિટ હશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સમિટ જૂથ દ્વારા શરૂ કરાયેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવાની અને ભવિષ્યની પ્રવૃત્તિના ક્ષેત્રોને ઓળખવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી બ્રિક્સ સમિટ પછી યોજાનાર વિશેષ કાર્યક્રમો બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં પણ ભાગ લેશે. તેમાં દક્ષિણ આફ્રિકા દ્વારા આમંત્રિત અન્ય દેશોનો પણ સમાવેશ થશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી જોહાનિસબર્ગમાં ઉપસ્થિત કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
દક્ષિણ આફ્રિકાની મુલાકાત બાદ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ગ્રીસ જશે. 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ગ્રીસની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રીસના પ્રધાનમંત્રી મિત્સોટાકિસ સાથે સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર વાતચીત કરશે.
પ્રધાનમંત્રી બંને દેશોના બિઝનેસ લીડર્સ અને ગ્રીસમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. વિદેશ મંત્રાલયે ધ્યાન દોર્યું છે કે ભારત અને ગ્રીસ વર્ષો જૂના સંબંધો શેર કરે છે જે તાજેતરના વર્ષોમાં દરિયાઈ પરિવહન, સંરક્ષણ, વેપાર, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહકાર દ્વારા મજબૂત બન્યા છે.
