બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી નીતિશકુમાર
Live TV
-
પટણા, ભોજપુર, ભાગલપુર, નવાદા, નાલંદામાં પૂરના પાણીથી હજારોનું સ્થળાંતર
બિહારમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. જો કે, હજુ ઘણી મુશ્કેલીઓ યથાવત છે. મુખ્યમંત્રી નીતિશકુમારે હવાઈ સર્વેક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ દ્વારા બિહાર અને કર્ણાટક માટે આઠ હજાર 1813.75 કરોડ રૂપિયાની વધારાની મદદ મંજૂર કરી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. ગૃહમંત્રાલય અનુસાર આ વર્ષે ચોમાસામાં લગભગ 1,900 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 46 લોકો હજુ સુધી લાપતા છે. આ વર્ષે વરસાદમાં 22 રાજ્યોની લગભગ 25 લાખ લોકો ભારે વરસાદથી પ્રભાવિત થયા છે.
બિહારમાં ત્રણ દિવસ ખાબકેલા ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે પટણા, ભોજપુર, ભાગલપુર, નવાદા, નાલંદા સહિત રાજ્યના 15 જિલ્લાઓમાં આશરે 19 લાખ લોકો પ્રભાવિત થયાં છે. રાજ્યના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પુરજોશથી રાહત-બચાવ અભિયાન ચાલી રહ્યું છે. પટણા શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં 1 લાખ લોકોથી વધારેની વસતી ફસાયેલી છે. રાજ્યમાં બીજી વખત આવેલા પૂરે વહીવટી માળખાની વ્યવસ્થાને પણ વેર વિખેર કરી નાખ્યું છે. અનેક જગ્યાઓ પર પૂલ, પુલીયા અને રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં 19 રાહતશિબિરોમાં 8 હજારથી વધુ લોકો શરણ લઈ રહ્યા છે. અસહાય લોકોની સહાય માટે 1 હજાર જેટલી બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
