રાષ્ટ્રપતિની ઉત્તરાખંડ મુલાકાતનો આજે બીજા દિવસ, બદ્રીનાથ ધામમાં દર્શન અને પૂજા અર્ચના કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ આજે હેમવતી નંદન બહુગુણા કેન્દ્રીય યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ઉત્તરાખંડ મુલાકાતનો આજે બીજા દિવસ છે. રાષ્ટ્રપતિ આજે બદ્રીનાથ ધામમાં દર્શન અને પૂજા અર્ચના કરશે. ત્યારપછી હેમવતી નંદન બહુગુણા કેન્દ્રીય યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ આવતીકાલે 9 નવેમ્બરના રોજ ઉતરાખંડના સ્થાપના દિવસ પર દહેરાદૂનમાં આયોજિત કાર્યક્રમમાં પણ શામેલ થશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઉત્તરાખંડ મુલાકાતના પહેલા દિવસે પંતનગર ખાતે ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીના 35મા પદવીદાન સમારંભ ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યુ હતું.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનનો ખેડૂતો સુધી પ્રચાર-પ્રસાર કૃષિ વિકાસ માટે જરૂરી છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રણાલીએ વૈશ્વિક સ્તરે થઈ રહેલા તકનીકી, આર્થિક અને સામાજિક વિકાસ સાથે તાલ મિલાવવાની જરૂર છે. શૈક્ષણિક સંસ્થાઓએ ઉદ્યોગ માટે તૈયાર સ્નાતકો ઉત્પન્ન કરવા જોઈએ જે રોજગાર બનાવી શકે અને તકનીકી સંચાલિત વિશ્વમાં સ્પર્ધા કરી શકે. આજે વિશ્વ આબોહવા પરિવર્તન અને જમીનના અધોગતિ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે કુદરતી અને જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યું છે. ઇકો-ફ્રેન્ડલી ફૂડની આદતોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ યુનિવર્સિટીના સંશોધકો, વૈજ્ઞાનિકો અને ફેકલ્ટી સભ્યો આપણી ખાદ્ય ટેવોમાં બાજરીને પ્રાધાન્ય આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે નવીનતમ તકનીકનો ઉપયોગ કરવો જરૂરી છે. પંતનગર યુનિવર્સિટીની પાક વ્યવસ્થાપન, નેનો-ટેકનોલોજી, જૈવિક ખેતી વગેરે મારફતે કૃષિમાં ડિજિટલ સોલ્યુશન્સ શરૂ કરવા બદલ પ્રશંસા કરી હતી. યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ઉપયોગ માટે પણ પગલાં લઈ રહી છે. આ યુનિવર્સિટીએ તેનું પોતાનું કૃષિ ડ્રોન વિકસિત કર્યું છે જે થોડીવારમાં ઘણા હેક્ટર જમીનનો છંટકાવ કરી શકે છે. રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડ્રોન ટેકનોલોજીના ફાયદા ટૂંક સમયમાં ખેડૂતો સુધી પહોંચશે.
