રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 70માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશને કર્યું સંબોધન
Live TV
-
આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પર થયું પ્રસારણ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 70માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધન કર્યું. આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પર સાંજે 7 વાગ્યાથી પ્રસારણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 70માં ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. દુરદર્શન ઉપર હિન્દી અને અંગ્રેજી પ્રસારણ બાદ રાષ્ટ્રપતિનું ભાષણ દુરદર્શનના પ્રાદેશિક ભાષાની ચેનલ દ્વારા પ્રસારીત કરવામાં આવ્યું. આકાશવાણીમાં રાત્રે સાડા નવથી સંબંધીત પ્રાદેશિક નેટવર્ક ઉપર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ કરવામાં આવશે
વાંચો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 70માં પ્રજાસત્તાક દિવસનું સંબોધન ગુજરાતીમાં
૭૦મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, આપ સૌને મારી હાર્દિક શુભકામનાઓ.
આ દિવસ, લોકતંત્ર પર આધારિત આપણા ગણરાજ્યના ઉચ્ચ આદર્શોને યાદ કરવાનો અવસર છે. આ દિવસ, દેશના સૌ નાગરિકો માટે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના આદર્શોમાં પોતાની શ્રદ્ધા દૃઢ કરવાનો અવસર છે. અને સૌથી વધુ તો, આપણો પ્રજાસત્તાક દિન, આપણા સૌના ભારતીય હોવાના ગૌરવની અનુભૂતિ કરવાનો પણ અવસર છે.
૨
આપણા પ્રજાસત્તાક માટે આ વર્ષ વિશેષ રૂપે મહત્ત્વપૂર્ણ છે. આ જ વર્ષે બીજી ઓક્ટોબરના દિવસે, આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી ઊજવીશું. ગાંધીજીએ આપણને સૌને એક નવી દિશા બતાવી. તેમણે માત્ર ભારત જ નહિ, પરંતુ એશિયા, આફ્રિકા અને દુનિયાના ઘણા અન્ય દેશોમાં સામ્રાજ્યવાદ ખતમ કરવા માટે, લોકોમાં આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંચાર કર્યો અને તેમને આઝાદીનો માર્ગ ચીંધ્યો. બાપૂ આજે પણ, આપણા પ્રજાસત્તાક માટે નૈતિકતાનો પ્રકાશપુંજ છે. આજે પણ તેમનું જીવન અને તેમનો ઉપદેશ આપણી નીતિઓ અને કાર્યયોજનાઓ માટે માર્ગદર્શક છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી માત્ર ભારત જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વ માટે, તેમના આદર્શોને ઊંડાણપૂર્વક સમજવા, અપનાવવા અને અમલમાં મૂકવાનો અવસર છે.
૩
ગાંધી જયંતીના થોડા દિવસો બાદ, ૨૬ નવેમ્બરે, આપણે સૌ આપણા બંધારણ દિવસની ૭૦મી વર્ષગાંઠ ઊજવીશું. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના ઐતિહાસિક દિવસે, આપણી બંધારણ સભાના માધ્યમથી, આપણે ભારતના લોકોએ આપણું બંધારણ અપનાવ્યું અને સ્વયંને સમર્પિત કર્યું. તેના બરાબર બે મહિના બાદ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આપણે આપણું બંધારણ અમલી બનાવ્યું, અને ભારત એક ગણરાજ્ય રૂપે સ્થાપિત થયું. આપણું બંધારણ, આપણા ગણરાજ્યની આધારશીલા છે. આ એક દૂરદર્શી અને જીવંત દસ્તાવેજ છે. ઉચ્ચ આદર્શો અને દેશપ્રેમમાં ઓતપ્રોત એવા બંધારણ સભાના વિદ્વાન સભ્યોએ તેની રચના કરી. પ્રજાસત્તાક દિવસના અવસર પર, બંધારણની રચનાના મુખ્ય શિલ્પી, બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનું યોગદાન વિશેષ રૂપે સ્મરણીય છે.
૪
આ સમયે આપણો દેશ, એક મહત્ત્વના મુકામ પર છે. આપણા આજના નિર્ણયો અને કાર્યયોજનાઓ, ૨૧મી સદીના ભારતનું સ્વરૂપ નિર્ધારિત કરશે. સૌએ સાથે મળીને પોતાના પ્રયાસોના બળ પર, આ સદીને ભારતની સદી બનાવવાનો અવસર આપણા સૌની સામે છે. આ માટે, રાષ્ટ્રનિર્માણની દૃષ્ટિએ આજનો આ સમય આપણા સૌના માટે એટલો જ મહત્ત્વનો છે, જેટલો આપણા દેશવાસીઓ માટે સ્વતંત્ર ભારતનો આરંભકાળ હતો.
૫
સ્વતંત્રતા સેનાનીઓના ઉચ્ચ આદર્શો પર ચાલીને આપણે આઝાદી પ્રાપ્ત કરી. જનતાને સર્વોપરિ માનતા મૂલ્યોએ આપણા પ્રજાસત્તાકને વર્તમાન સ્વરૂપ પ્રદાન કર્યું. એ જ આદર્શો અને મૂલ્યો, લોકતંત્ર અને બંધારણ પ્રત્યેની આપણી અતૂટ શ્રદ્ધામાં રોપાયેલાં છે. આપણે સૌ ભારતવાસીઓને આ વર્ષે વધુ એક મહત્ત્વની જવાબદારી નિભાવવાનો અવસર મળવા જઈ રહ્યો છે. ૧૭મી લોકસભાની રચના માટે થનારી સામાન્ય ચૂંટણીમાં, આપણે સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. આ ચૂંટણી દરમ્યાન, આપણે સૌ આપણા મતાધિકારનો ઉપયોગ, આપણી લોકતાંત્રિક માન્યતાઓ અને મૂલ્યો પ્રત્યે પૂરી નિષ્ઠા સાથે કરીશું. આ ચૂંટણી એ અર્થમાં વિશેષ રહેશે, કે ૨૧મી સદીમાં જન્મ લેનાર મતદાતાઓ પહેલી વખત મતદાન કરશે, અને નવી લોકસભાની રચનામાં પોતાનું યોગદાન આપશે.
૬
આ ચૂંટણી, સૌ દેશવાસીઓ માટે લોકતંત્રમાં પોતાની સક્રિય ભાગીદારી નિભાવવાનો એક મહત્ત્વપૂર્ણ અવસર છે. ચૂંટણી વખતે આપણે સૌ, સહભાગિતા અને સમાનતા પર આધારિત સમાજની આશાઓ અને આકાંક્ષાઓ માટે, આપણી પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ. આપણા લોકતંત્રની સફળતા માટે, મતદાન કરવું એ આપણું એક પુનિત કર્તવ્ય બની જાય છે. મારો આપ સૌને અનુરોધ છે કે આ કર્તવ્યનું અવશ્ય પાલન કરશો.
૭
આપણે સૌએ એ યાદ રાખવાનું છે કે આ સમય, આપણા દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવા, વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. આજે આપણે આપણા નિરંતર પ્રયાસો વડે ગરીબીનો અંત આણવાના નિર્ણાયક તબક્કામાં છીએ. દેશવ્યાપી પ્રયાસોના બળ પર, ગરીબ પરિવારોને આવાસ, પીવાનું પાણી, વીજળી અને શૌચાલયની સુવિધા મળી રહી છે. ગામોને શહેરો સાથે જાડતા રસ્તા અને પુલ બની રહ્યા છે. શહેરોમાં આવાસ અને આધુનિક જનસુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. દરેક ઘર સુધી વીજળી પહોંચી રહી છે. આપણા યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરીને, રોજગારીની નવી સંભાવનાઓ ઊભી કરી રહ્યા છે. જે લોકો પોતાનો વ્યવસાય કરવા માગે છે, તેમને ગેરેંટી વગર લોનની સગવડ સુલભ કરવામાં આવી રહી છે. દરેક ગરીબ વ્યક્તિ સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. લોકોને જનઔષધિ કેન્દ્રો પર સસ્તા દરે દવાઓ મળી રહી છે. હૃદયરોગના ઉપચાર માટે સ્ટેંટ જેવી જીવનરક્ષક મેડિકલ ડિવાઈસીસની, તથા ઘુંટણના ઇમ્પ્લાન્ટની કિંમતમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. રાહતના દરે ડાયાલિસીસની સુવિધા મળી રહી છે. આપણા ગરીબ ભાઈ-બહેનોના જીવનને બહેતર બનાવવા માટે આવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
૮
દેશના ખૂણે-ખૂણે મોબાઇલ ફોન તથા ઇન્ટરનેટની સગવડ હોવાના કારણે, ડિજિટલ કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. બંદરો, અંતર્દેશીય જળમાર્ગો, બહેતર રેલ સેવાઓ, આધુનિક મેટ્રો સુવિધાઓ, રાષ્ટ્રીય રાજમાર્ગો, ગામોના રસ્તા અને દેશના અંતરિયાળ પ્રદેશોમાં કિફાયતી હવાઈ યાત્રાની સગવડથી કનેક્ટિવિટી સુધરી રહી છે.
૯
આજે એ જાઈને આનંદ થાય છે, કે નવીનતમ ટેકનોલોજીને ઝડપથી અપનાવી લેતા આપણા ખેડૂતો વધુ સમર્થ, અને આપણા જવાનો વધુ સશક્ત બની રહ્યા છે. ટેકનોલોજી અને નવા વિચારોની શક્તિથી આપણા ઉદ્યોગ સાહસિકો વિકાસની નવી ગાથા લખી રહ્યા છે. આજે દુનિયાની નજર, આપણા યુવા ઉદ્યોગકારો અને આપણી અર્થવ્યવસ્થા પર મંડાયેલી છે.
૧૦
મારા પ્રિય દેશવાસીઓ,
દેશના વિવિધ ભાગોમાં મારા પ્રવાસો દરમ્યાન, હું સમાજના દરેક વર્ગના લોકોને મળું છું અને જાઉં છું કે સામાન્ય પ્રજામાં, કઠોર પરિશ્રમ અને ઈમાનદારીથી હાંસલ કરેલી સિદ્ધિઓ પ્રત્યે પ્રશંસાનો ભાવ છે. આ પ્રશંસા, એ વરિષ્ઠ નાગરિકોના વિચારોમાં વધુ સ્પષ્ટપણે જાવા મળે છે જેમણે અભાવનો દોર જાયો છે. આ સફળતા આપણે સૌએ કઠોર પરિશ્રમ વડે હાંસલ કરેલી છે.
૧૧
અનેક ક્ષેત્રોમાં આપણે અભાવને વિપુલતામાં બદલ્યો છે. ઉદાહરણ રૂપે, આજે દેશમાં અનાજનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. રાંધણ ગેસ સહેલાઈથી મળી રહ્યો છે. ફોન કનેક્શન લેવું હોય કે પાસપોર્ટ કરાવવો હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય કે દસ્તાવેજાને પ્રમાણિત કરાવવા હોય, આ તમામ ક્ષેત્રોમાં સુધારા અને બદલાવ જાવા મળી રહ્યો છે. મહિલા સશક્તિકરણના ક્ષેત્રે થઈ રહેલો સામાજિક બદલાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણી દીકરીઓ, શિક્ષણ, કળા, ચિકિત્સા અને રમતગમત જેવાં ક્ષેત્રો ઉપરાંત, આપણી ત્રણેય સેનાઓ અને સંરક્ષણ વિજ્ઞાન જેવાં ક્ષેત્રોમાં પણ પોતાની વિશેષ ઓળખ બનાવી રહી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓમાં ઘણી વખત દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં વધુ હોય છે. આવા બદલાવના બહુપરિમાણીય લાભ મળી રહ્યા છે.
૧૨
સૌને સાથે લઈને ચાલવાની સમાવેશી ભાવના, ભારતના વિકાસનો મૂળ મંત્ર છે. વિકાસની આ વિભાવનામાં સૌ દેશવાસીઓનો સમાવેશ થાય છે. જનસુવિધાઓ સૌની પહોંચમાં હોય અને વિકાસની તક સૌને સમાન રૂપે મળે, એ વિચાર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. દેશના સંસાધનો પર આપણા સૌનો એકસમાન અધિકાર છે, ભલે આપણે કોઈ પણ સમૂહના હોઈએ, કોઈ પણ સમુદાયના હોઈએ, કે કોઈ પણ ક્ષેત્રના હોઈએ. ભારતની બહુલતા આપણી સૌથી મોટી શક્તિ છે. આપણી ડાયવર્સિટી, ડેમોક્રસી અને ડેવલપમેન્ટ સમગ્ર દુનિયા માટે ઉદાહરણરૂપ છે.
૧૩
ગાંધીજીએ પોતાના પુસ્તક 'મારા સ્વપ્નનું ભારત'માં લખ્યું છે, કે હું એવા ભારતના નિર્માણ માટે કોશિશ કરીશ, જેમાં ગરીબમાં ગરીબ લોકો પણ એવું અનુભવશે કે આ દેશ એમનો છે, તેના નિર્માણમાં એમના અવાજનું મહત્ત્વ હશે, જ્યાં ઊંચ-નીચના ભેદભાવ નહિ હોય, તથા સ્ત્રીઓને પણ એ જ અધિકારો મળશે, જે પુરુષોને મળતા હશે. આ સંદર્ભમાં આ જ મહિને, બંધારણીય સુધારા દ્વારા, ગરીબ પરિવારોના પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ અને રોજગારીની વિશેષ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સામાજિક ન્યાય અને આર્થિક નૈતિકતાના માપદંડો પર ભાર મૂકીને, સમાવેશી વિકાસના કાર્યને વધુ વ્યાપક આધાર આપવામાં આવ્યો છે. ટેકનોલોજી અને નવા વિચારના બળ પર, સમાજના દરેક વર્ગના લોકો વિકાસની યાત્રામાં સામેલ થઈ રહ્યા છે.
૧૪
પ્રિય દેશવાસીઓ,
આપણા મહાન પ્રજાસત્તાકે એક લાંબી યાત્રા ખેડી છે. પરંતુ હજુ આપણે ઘણું આગળ જવાનું છે. ખાસ કરીને, આપણા જે ભાઈ-બહેનો વિકાસની દોડમાં પાછળ રહી ગયા છે, તે સૌને સાથે લઈને આપણે આગળ વધવાનું છે. ૨૧મી સદી માટે આપણે આપણા લક્ષ્ય અને સિદ્ધિઓ માટેના નવા માપદંડો નિર્ધારિત કરવાના છે. હવે આપણે ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું પડશે. બધા વર્ગો અને બધા સમુદાયોને સમુચિત સ્થાન આપનારા રાષ્ટ્ર તરીકે આગળ વધતાં, આપણે એક એવા સમાજનું નિર્માણ કરવાનું છે, જેમાં પ્રત્યેક દીકરી-દીકરાની વિશેષતા, ક્ષમતા અને પ્રતિભાની ઓળખ થાય, અને તેમના વિકાસ માટે દરેક પ્રકારની સુવિધા અને પ્રોત્સાહન ઉપલબ્ધ હોય.
૧૫
પારસ્પરિક સહયોગ અને સહભાગિતાના આધાર પર જ સમાજનું નિર્માણ થાય છે. ભલે પરિવારની ખુશી હોય, વ્યવસાયમાં પ્રગતિ હોય, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ હોય, કે પછી એક બહેતર વિશ્વ-વ્યવસ્થાની સ્થાપના હોય, આ બધા ઉદ્દેશ પ્રત્યેક વ્યક્તિ, સમાજ, સરકાર અને દેશોના પારસ્પરિક સહયોગ વડે જ હાંસલ કરી શકાય છે. સહયોગ અને સહભાગિતાની આ ભાવના જ, સમગ્ર વિશ્વને એક જ પરિવાર માનતા 'વસુધૈવ કુટુંબકમ્'ના આદર્શનો પણ આધાર છે.
૧૬
વિચારોના સહજ આદાનપ્રદાન, વ્યાપક સંવાદ અને ગહન સંવેદનશીલતાના માધ્યમથી ભાગીદારીઓ મજબૂત બને છે. સંવાદ અને સંવેદનશીલતાની ઉપયોગિતા જે રીતે પારિવારિક સહયોગ માટે અસરકારક સાબિત થાય છે, એ જ રીતે સમાજના વંચિત વર્ગોની ભાગીદારી માટે પણ તે પ્રાસંગિક છે. આપણે આ વર્ગોની સમસ્યાઓને સાંભળવા-સમજવા અને તેનો ઉકેલ લાવવાની પ્રક્રિયાને નિરંતર ચાલુ રાખવાની છે.
૧૭
આપણી સંસ્કૃતિ, પરંપરા અને જીવન આદર્શોમાં લોકસેવાનું ઘણું મહત્ત્વ છે. આપણા સૌના હૃદયમાં એ વ્યક્તિઓ અને સંસ્થાઓ પ્રત્યે હંમેશાં આદરનો ભાવ રહ્યો છે, જેઓ પોતાનાં સામાન્ય કર્તવ્યોની સીમાઓથી ઉપર ઊઠીને લોકસેવા માટે સમર્પિત રહે છે. સારી નીયત સાથે કરવામાં આવેલા યોગદાનને માન્યતા અને પ્રશંસા મળવી જ જાઈએ, ભલે એ યોગદાન કોઈ વ્યક્તિનું હોય, સમૂહનું હોય, ખાનગી કે જાહેર સંસ્થાઓનું હોય, કે પછી સરકારનું હોય.
૧૮
મારા પ્રિય દેશવાસીઓ,
દેશ હોય કે વિદેશ, દરેક જગ્યાએ જીવનના આ જ આદર્શો આપણને માર્ગદર્શન આપે છે. આપણી આ જ વિચારધારા, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં, જળવાયુ પરિવર્તનના મુદ્દા પર, માનવીય સહયોગ પ્રદાન કરવામાં કે પછી કુદરતી આપત્તિઓ વખતે રાહત પહોંચાડવામાં પણ જાવા મળે છે. પરિણામ સ્વરૂપે, આજે વિશ્વ ફલક પર ભારતના યોગદાનની સરાહના થાય છે અને સમગ્ર વિશ્વમાં, આપણા દેશને વિશેષ સન્માનની દૃષ્ટિએ જાવામાં આવે છે.
૧૯
હું એ વાતનો વિશેષ રૂપે ઉલ્લેખ કરવા માગીશ, કે આ જ આદર્શોના પાયા પર આપણા ગણરાજ્યનું નિર્માણ થયું છે. લોકતાંત્રિક ઉદ્દેશોને લોકતાંત્રિક માધ્યમો દ્વારા, સમાવેશી ઉદ્દેશોને સમાવેશી સાધનો દ્વારા, કરુણા અને સંવેદના સંબંધિત ઉદ્દેશોને કરુણા અને સંવેદના દ્વારા, તથા બંધારણીય ઉદ્દેશોને બંધારણ સંગત સાધનો દ્વારા પ્રાપ્ત કરવા, એ જ આપણા પ્રજાસત્તાકની મૂળ ભાવના છે.
૨૦
આપણે સૌએ હંમેશાં એ ધ્યાન રાખવું જાઈએ કે આપણા બંધારણના માધ્યમથી, આપણે ભારતના લોકોએ એ સામૂહિક સંકલ્પ લીધો છે કે સૌ દેશવાસીઓને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય અપાવીશું, સૌ ભારતવાસીઓને પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા ઉપલબ્ધ કરાવીશું, દરેક વ્યક્તિની ગરિમા સુનિશ્ચિત કરીશું અને ભાઈચારાની ભાવના મજબૂત કરીશું. આપણા આ સંકલ્પ સાથે, આપણે સૌ આપણા પ્રજાસત્તાકની યાત્રામાં ઝડપભેર આગળ વધી રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે બંધારણીય આદર્શોના વાહક રૂપે આગળ વધતાં, આપણે ભારતના લોકો, આપણા પ્રજાસત્તાકના ઉદ્દેશો હાંસલ કરવામાં અવશ્ય સફળ થઈશું.
હું ફરી એક વાર, દેશ અને વિદેશમાં વસતા આપ સૌ ભારતવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું અને આપ સૌના સુખદ ભવિષ્યની મંગળકામના કરું છું.
જય હિંદ.
