CMOT યુવાનોને મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા તકો પૂરી પાડે છે: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
Live TV
-
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે '75 ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો' (CMOT) પહેલના વિજેતાઓ માટે '48 કલાકની ફિલ્મ મેકિંગ ચેલેન્જ'નો શુભારંભ કર્યો હતો. ફિલ્મ ચેલેન્જના ભાગરૂપે, CMOTના 75 સહભાગીઓને પાંચ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા, જેઓ 48 કલાકમાં 'મિશન લાઇફ' વિષય પર ટૂંકી ફિલ્મો બનાવશે. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન, CMOTના સહભાગીઓ વિશ્વ સિનેમાના માસ્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્કશોપ અને માસ્ટરક્લાસ સત્રોમાં પણ ભાગ લેશે.
આ પ્રસંગે મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારત સરકાર રોજગારીનું સર્જન કરવા, સર્જક અર્થતંત્રને વેગ આપવા, ઉત્કૃષ્ટ કલાકારોને માર્ગદર્શન આપવા અને યુવાનોને ફિલ્મોના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરવા કટિબદ્ધ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, CMOT દેશનાં દૂર-સુદૂરનાં ખૂણેથી આવેલા યુવા માનસને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવાનાં સરકારનાં પ્રયાસોનો એક ભાગ છે. આ વર્ષના '75 ક્રિએટિવ માઈન્ડ ઓફ ટુમોરો' ભારતના 19 જેટલા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવે છે, જેમાં બિષ્ણુપુર (મણિપુર), જગતસિંહપુર (ઓડિશા) અને સરદારપુર (મધ્યપ્રદેશ) જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ તેમને મીડિયા અને મનોરંજનના ક્ષેત્રમાં અપ્રતિમ તકો પ્રદાન કરવાનો છે.
મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ફિલ્મ નિર્માણ એ માત્ર કન્ટેન્ટ સર્જન વિશે જ નથી, પરંતુ તે માર્કેટિંગ અને મોટા પ્રેક્ષકોને તેનું વિતરણ કરવા વિશે પણ છે. આપણા યુવા દિમાગ અને ઉદ્યોગ વચ્ચે નેટવર્કિંગ અને જોડાણને પ્રોત્સાહિત કરવા અને સક્ષમ બનાવવા માટે તેમણે માહિતી આપતા કહ્યું કે, આ વર્ષે, ઇફ્ફી એક ટેલેન્ટ કેમ્પનું આયોજન કરી રહ્યું છે, જ્યાં 75 ક્રિએટિવ માઇન્ડ્સને કેટલાક જાણીતા પ્રોડક્શન હાઉસ, સ્ટુડિયો અને OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે મળવા, વાતચીત કરવા અને જોડાવા મળશે.
