જૂનાગઢ : રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
Live TV
-
ગિરનાર પર 7 ડિગ્રી તાપમાનમાં 1488 સ્પર્ધકોએ દોડ લગાવી
ગુજરાત રાજ્ય રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત 35મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2019-20 આજે સવારે 6:30 કલાકે સાંસ્કૃતિક મંચ, મહંત મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી મેયર ધીરૂભાઇ ગોહિલના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આજે ગિરનાર પર 7 ડિગ્રી તાપમાનમાં 1488 સ્પર્ધકોએ દોડ લગાવી હતી. ગિરનારની સ્પર્ધા માટે સવારે 7 કલાકે પ્રથમ સ્પર્ધા ભાઇઓથી શરૂ થઇ હતી. તેમજ બીજા તબક્કામાં સવારે 9 કલાકે બહેનોની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.
રાજ્યના વિવિધ જિલ્લામાંથી 1488 જેટલા ભાઇઓ-બહેનો સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દર વર્ષે યોજાનારી રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધામાં વિવિધ જિલ્લામાંથી ભાઇઓ-બહેનો ભાગ લેવા આવે છે. ત્યારે ગિરનાર સ્પર્ધાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ભવનાથ તળેટીથી લઇને અંબાજી સુધી પોલીસ, વન વિભાગ અને આરોગ્યની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. ભવનાથ તળેટી અંબાજી સુધીના રૂટ પર 12 જેટલા સીસીટીવી કેમેરા લગાવવા આવ્યા હતા. આથી સ્પર્ધકો પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. રાજ્યભરમાં સ્પર્ધકો જૂનાગઢ પહોંચી ગયા હતા. ત્યારે ભોજનને લઇ સ્પર્ધકોમાં કચવાટ ફેલાયો હતો. તેમજ કેટલાક સ્પર્ધકોને ઉલ્ટી પણ થઇ હતી. રાજ્યના દરેક જિલ્લામાંથઈ સ્પર્ધકો આવ્યા હતા અને ભાગ લીધો હતો.
3 જગ્યા પર આરોગ્યની ટીમ તૈનાત
અંબાજી મંદિરની ટીમ
ગિરનાર માળી પરબની ટીમ
ગિરનાર જૈન દેરાસરની ટીમ
