શ્રી અમરનાથ યાત્રા માટે જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી 9837 યાત્રાળુઓ થયા રવાના
Live TV
-
શ્રી અમરનાથ યાત્રા માટે જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી 9837 યાત્રાળુઓ થયા રવાના
શ્રી અમરનાથ યાત્રા દરમિયાન બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં યાત્રાળુઓ રવાના થયા. જમ્મુના ભગવતી નગર યાત્રા નિવાસથી પહેલગામ અને બાલતાલના બે બેઝ કેમ્પ માટે રેકોર્ડ 9837યાત્રાળુઓ રવાના થયા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સાતમી ટુકડી 361 વાહનોના કાફલામાં રવાના થઈ હતી. પરંપરાગત પહેલગામ રૂટ માટે 188 વાહનોમાં 5337 યાત્રાળુઓ હતા, જ્યારે ટૂંકા બાલતાલ રૂટ માટે 173 વાહનોમાં 4500 યાત્રાળુઓ હતા. આ ટુકડીમાં 6684 પુરુષો, 2730 મહિલાઓ, 21 બાળકો, 320 સાધુઓ, 80 સાધ્વીઓ અને બે ટ્રાન્સજેન્ડર યાત્રાળુઓનો સમાવેશ થાય છે.
પવિત્ર ગુફા મંદિરની વાર્ષિક યાત્રા માટે દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ એકઠા થયા હોવાથી વહેલી સવારથી જ ભગવતી નગર યાત્રા નિવાસ ખાતે યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આ યાત્રા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ યોજાઈ રહી છે જેમાં વહીવટીતંત્ર, પોલીસ, CAPF, આરોગ્ય સેવાઓ અને અન્ય વિભાગો તરફથી ભારે લોજિસ્ટિકલ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.
57 દિવસની વાર્ષિક યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી અને 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે.
