અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત બાંગ્લાદેશને હરાવી ચેમ્પિયન બન્યુ
Live TV
-
ભારત 106 , બાંગ્લાદેશ 101
અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત બાંગ્લાદેશને હરાવી ચેમ્પિયન બન્યુ છે..સ્પિનર અથર્વ અંકોલેકરે ઝડપેલી પાંચ વિકેટની મદદથી ભારતે અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટમાં રોમાંચક બનેલી ફાઇનલમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. લો-સ્કોરિંગ મેચમાં અંકોલેકર ઉપરાંત આકાશસિંહે પણ ૧૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારત ૩૨.૪ ઓવરમાં માત્ર ૧૦૬ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું પરંતુ ૧૮ વર્ષીય અંકોલેકરે આઠ ઓવરમાં ૨૮ રન આપીને પાંચ વિકેટ ઝડપતાં બાંગ્લાદેશની ઇનિંગ્સ ૩૩ ઓવરમાં ૧૦૧ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી.રનચેઝ કરનાર બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ત્યારબાદ સુકાની અકબર અલી (૨૩) તથા મૃત્યુંજય ચૌધરીએ (૨૧) ટીમની આશા જીવંત રાખી હતી પરંતુ બંનેના આઉટ થયા બાદ ટીમનો ધબડકો થયો હતો. હસન સાકિબ (૧૨) તથા રાકિબુલ હસને (અણનમ ૧૧) નવમી વિકેટ માટે ૨૩ રનની ભાગીદારી નોંધાવીને ભારત માટે મુશ્કેલી ઊભી કરી હતી પરંતુ અંકોલેકરે ચાર બોલમાં અંતિમ બે વિકેટ ઝડપીને ભારતને ચેમ્પિયન બનાવી દીધું હતું. ભારતની ઇનિંગ્સમાં સુકાની ધ્રુવે ૩૩ તથા કરણલાલે ૩૭ રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે ઝડપી બોલર ચૌધરીએ ૧૮ રનમાં ત્રણ તથા સ્પિનર શમીમ હુસૈને આઠ રનમાં ત્રણ વિકેટ ઝડપીને ભારતની ઇનિંગ્સને વેરવિખેર કરી હતી.
