એશિયન ગેમ્સમાં ભારત 8 સુવર્ણ, 12 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 33 ચંદ્રકો સાથે મેડલ યાદીમાં ચોથા સ્થાને પહોંચ્યું
Live TV
-
ચીનના હાંગચોઓમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે ભારતે બે સુવર્ણ સહિત આઠ ચંદ્રકો જીતી શાનદાર પ્રદર્શન કર્યું. આ સાથે જ ભારત આઠ સુવર્ણ, 12 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 33 ચંદ્રકો સાથે મેડલ યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. ભારતીય નિશાનેબાજોએ ગઇકાલે કુલ પાંચ ચંદ્રકો જીત્યા હતા. આ સાથે શૂટિંગમાં ભારતના કુલ 18 ચંદ્રકો છે. પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં, ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમર, સ્વપ્નિલ સુરેશ અને અખિલ શિયોરાનની ભારતની ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં પલક ગુલિયાએ સુવર્ણ ચંદ્રક અને ઈશા સિંહે રજતચંદ્રક જીત્યો હતો. ભારતની પલક ગુલિયા, આઈશા સિંહ અને દિવ્યા સુબ્બતરાજુ થડીગોલે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં રજતચંદ્રક જીત્યો હતો. ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમરે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન વ્યક્તિગત સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો હતો.
ટેનિસમાં, રામકુમાર રામનાથન અને સાકેત માયનેનીની ભારતીય જોડીએ પુરુષોની ડબલ્સમાં રજતચંદ્રક જીત્યો હતો. સ્ક્વોશમાં જોશના ચિનપ્પન, તન્વી ખન્ના અને અનહત સિંહની ટીમે કાંસ્યચંદ્રક જીત્યો હતો. પુરુષોની ટીમ આ સ્પર્ધામાં મલેશિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતની કિરણ બાલિયાને મહિલાઓની ગોળાફેંક સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવ્યો છે. કિરણે 17.36 મીટરના અંતરે ગોળો ફેંકીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.હોકીમાં ભારતે પૂલ A મેચમાં મલેશિયાને 6-0થી પરાજય આપ્યો છે. બેડમિન્ટનમાં લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને મિથુન મંજુનાથની ટીમે નેપાળને 3-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મનિકા બત્રાટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બોક્સિંગમાં નિખત ઝરીન સેમિફાઇનલમાં પહોંચી સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં ક્વોટા સ્થાન પણ મેળવ્યું છે. એથ્લેટિક્સમાં ભારતના ઐશ્વર્યા કૈલાશ મિશ્ર મહિલાઓની જ્યારે મોહમ્મદ અજમલ પુરુષોની 400 મીટર દોડની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
