જૂન-2024માં રમાનારા T-20 વિશ્વકપની અમેરિકામાં કરશે યજમાની, ICCએ આપી જાણકારી
Live TV
-
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)એ જાહેરાત કરી છે T20 વિશ્વકપ આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાની હેઠળ રમાશે. આ વર્ષે ભારતમાં રમાનારા વનડે વિશ્વકપ પછી આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાની હેઠળ ટી-20 વિશ્વ કપ રમાશે. પહેલી વખત વિશ્વકપની કોઈ મેચ અમેરિકામાં રમાશે. 20 ટીમો વચ્ચેનો વિશ્વકપ 4 જૂન, 2024નાં રોજ શરુ થશે જે 30 જૂન, 2024નાં રોજ સમાપ્ત થશે. હવે ICCએ અમેરિકાના યજમાન શહેરોના નામ પણ જાહેર કર્યા છે. ICCએ ટી-20 વિશ્વકપ 2024ના યજમાન તરીકે અમેરિકાના ત્રણ સ્થળોના નામ જણાવ્યા છે. જેમાં ડલાસ, ફ્લોરિડા અને ન્યૂયોર્ક સામેલ છે. ડલાસમાં ગ્રાન્ડ પ્રેયરી, ફ્લોરિડામાં બ્રોવાર્ડ કાઉન્ટી અને ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી T-20 વિશ્વકપના મેચની યજમાની કરશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને ટૂર્નામેન્ટની યજમાની ICC બોર્ડ દ્વારા નવેમ્બર-2021માં આપવામાં આવી હતી. હવે ICCએ અનેક વિકલ્પો અંગે વિસ્તૃત અને વ્યાપક મૂલ્યાંકન પછી અમેરિકાના સ્થળોની પસંદગી કરી છે.
