બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી, સિરિઝ 1-1થી બરાબર
Live TV
-
ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં 200માં ઓલઆઉટ કરી દીધા બાદ આજે ચોથા દિવસે ભારતને ટેસ્ટ જીતવા માટે 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ હાંસલ કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 103.1 ઓવર રમીને 1.94 રનરેટથી 200 રન બનાવ્યા અને ભારતને 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. 1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે.
કૅપ્ટન રહાણેએ પહેલી ઈનિંગમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં પણ તે નોટઆઉટ રહ્યો હતો. ટેસ્ટ મેચ જીત્યા બાદ સોશિયલ મિડિયા પર રહાણેની કેપ્ટન્સીના વખાણ થઈ રહ્યા છે. રહાણે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ત્રણ મેચ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ ત્રણ મેચ જીતી હતી. મહોમ્મદ સિરાજ અને શુભમન ગીલે પોતાની પહેલી જ ટેસ્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ છે.
