વર્લ્ડ કપ : ભારત-પાકિસ્તાન મેચમાં ભારતે બોલિંગ કરવાનો લીધો નિર્ણય
Live TV
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની વનડે વર્લ્ડકપ મેચનો પ્રારંભ થઈ ગયો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક ઓપનિંગ કરવા ઉતર્યા હતા. ભારતના બોલર મોહમ્મદ સિરાજે પાકિસ્તાનની પહેલી વિકેટ લીધી હતી.
ભારતીય બોલર મોહમ્મદ સિરાજે અબ્દૂલ્લા શફીકને LBW કરી ભારતને પહેલી વિકેટ અપાવી હતી આ સાથે પાકિસ્તાની ટીમે આઠ ઓવરમાં 41 રન પર જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. 15 ઓવરની અંદર પાકિસ્તાનના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા, તો આજે ભારતીય ટીમમાં ઇશાન કિશનની જગ્યાએ શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને 26 ઓવર સુધીમાં 2 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે, આ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 134 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 56 અને પાકિસ્તાને 73 મેચમાં જીત મેળવી છે. બીજી તરફ આ બંને ટીમ વર્લ્ડકપમાં અત્યાર સુધી 7 વખત સામ-સામે આવી છે. જેમાંથી બધી જ મેચમાં ભારતનો, વિજય થયો છે.
અમદાવાદમાં રમાઈ રહેલી ભારત-પાકિસ્તાનની વનડે વર્લ્ડકપની મેચને ધ્યાનમાં રાખી પોલીસ સતર્ક બની છે, શહેરમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. સુરક્ષા અંગે DCP કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, પ્રેક્ષકોએ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું, સુરક્ષાને લઈ કોઈએ પણ ગભરાવવાની જરૂર નથી. અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી 2 હજારથી વધુ CCTV કેમેરાથી સમગ્ર શહેરમાં મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં 6 હજારથી વધુ પોલીસ જવાન સુરક્ષામાં તહેનાત છે. જ્યારે આ મેચ બાદ વિજય સરઘસને લઈ નિર્ણય સ્થાનિક અધિકારીઓ કરશે.
