અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં યોજાયો 'સાયબર સંવાદ'
Live TV
-
રાજ્યમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે અને અનેક લોકો તેનો શિકાર બની રહ્યા છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પખવાડિયા સુધી સ્કૂલો, કોલેજો, સોસાયટીઓ અને જાહેર સ્થળોએ જઈને લોકોને સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરી જાગૃતતા લાવવામાં આવશે.
આજે અમદાવાદમાં એક સાયબર સંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ અહીં સાયબર સંવાદમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તથા યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી જેમાં ફાયનાન્સલ ફ્રોડ, ફેડેક્ષ કુરિયર ફ્રોડ, શેર માર્કેટ ફ્રોડ, ક્રેડિટ કાર્ડ બિલ ફ્રોડ, ઓનલાઇન જોબ ફ્રોડ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, હનીટ્રેપ/ન્યૂડ વીડિયો કોલિંગ ફ્રોડ જેવા વિવિધ ફ્રોડ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેંકના ખાતા, ઓનલાઇન ડોક્યુમેન્ટ, ગૂગલ એકાઉન્ટ અને મેઈલ આઇડી જેવા વિવિધ પુરાવાઓ કેવી રીતે સુરક્ષિત રાખવા તેના વિશે પણ સમજ આપવામાં આવી હતી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં 'સાયબર સંવાદ' યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઇમ અંગે લોકોને માહિતગાર કરી જાગૃતતા લાવવાનો હતો. 'સાયબર સંવાદ'માં પોલીસ કમિશનર જી.એસ.મલિકે લોકો સાથે કેવી રીતે સાયબર ફ્રોડ થાય છે તેની વિગતવાર સમજ આપીને સૂચન કર્યા હતા. આ ઉપરાંત કમિશનરએ સાયબર ક્રાઇમ થયેલા બનાવોની જાણકારી આપીને પણ માહિતગાર કર્યા હતા.
'સાયબર સંવાદ' અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકે સાયબર ક્રાઇમ બાબતે પોલીસે કરેલી પ્રજાલક્ષી કામગીરીનો અહેવાલ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગઈ લોકઅદાલતમાં ભોગ બનનારના ફ્રિજ થયેલા નાણાં પરત અપાવવા અંદાજે 2998 જેટલા કોર્ટ ઓર્ડર કરી રૂ. 17 કરોડ જેટલી રકમ ભોગ બનનારને પરત આપવાની પ્રક્રિયા ચાલુ છે.વધુમાં કમિશનરએ એકાઉન્ટ ફ્રિજ કરવાની નવી પોલિસી અંગે વાત કરતા કહ્યું કે, હવેથી કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રિજ કરે છે જે છેતરપિંડી સાથે સંકળાયેલી રકમને જ ફ્રિજ કરશે. જેથી કરીને મધ્યમવર્ગના લોકો પર નાણાકીય તણાવ ઘટશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મધ્યમ વર્ગના લોકોના એકાઉન્ટ હવે સમયસર અનફ્રિજ થઈ જાય છે જેના કારણે તેઓ રાહત અનુભવે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા કરાયેલી આ પ્રકારની નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઇમ પીડિતોને થતા અન્યાયમાં ઘટાડો થયો છે અને અસરગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સહાય મળી રહે છે.પોલીસ કમિશનર જી.એસ.મલિકે પત્રકારો અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરને સંબોધતા કહ્યું હતું કે, આપના પ્રતિષ્ઠિત માધ્યમ થકી પણ સાયબર અવેરનેસની જાણકારી સમયાંતરે લોકો સુધી પહોંચે તેવી અપીલ કરી હતી.
આ સંવાદમાં સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલે જણાવ્યું કે, આ 'સાયબર સંવાદ' નો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઇમ અંગેની માહિતીથી વાકેફ થઇ જાગૃતિ લાવવાનો છે. તેમણે સાયબર ક્રાઈમના ગુનેગારો કેવી રીતે અને ક્યાંથી સમગ્ર ફ્રોડ ઓપરેટ કરે છે તેના વિશે માહિતી આપી હતી. શરદ સિંઘલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને તેમના માધ્યમ થકી લોકોમાં સાયબર અવેરનેસના મેસેજ પહોંચે તે અંગે સહયોગ આપવા કહ્યું હતું. આ ઉપરાંત સૌને સાથે મળીને સાયબર સેફ અમદાવાદ બનાવવાની અપીલ પણ કરી હતી.
આ સંવાદમાં સાયબર ક્રાઇમ ડીસીપી ડૉ.લવિના સિંહાએ સૌપ્રથમ સાયબર ક્રાઇમ વધવા પાછળના કારણો લાલચ, ભય, આળસ, અજ્ઞાનતા વિશે વાત કરી હતી. વધુમાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કેવી રીતે લોકો સુધી સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે તેના વિશે માહિતી આપી હતી. તેમણે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને તુરંત સ્થાનિક પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.ડીસીપી લવિના સિંહાએ સૌ લોકોને 'રિયલ વર્લ્ડ જેટલી જ તકેદારી રીલ વર્લ્ડમાં રાખીએ' તેવું સૂચન કર્યું હતું.આ 'સાયબર સંવાદ' માં અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયા તથા સાયબર ક્રાઇમ વિભાગના પીઆઈ, પીએસસાઈ અને પોલીસ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શહેરના પ્રતિષ્ઠિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
