આતંકી હુમલામાં ગુજરાતનાં મૃતકોના પરિવારને 5 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની જાહેરાત
Live TV
-
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોત થયા છે. 3 મૃતકોના પરિવારને 5 લાખ અને ઈજાગ્રસ્ત થયેલા ગુજરાતીઓને 50 હજારની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.
મુખ્યમંત્રી પટેલે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું હતું કે, 'ગુજરાત સરકાર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરે છે. સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.
પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ મોડી રાત્રે ભાવનગર લવાયા હતા. આજે અંતિમયાત્રામાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગવનગર પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે પહલગામ જમ્મુ અને કાશ્મીરનું એક મુખ્ય પર્યટન સ્થળ છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. આ પ્રકારના આતંકવાદી હુમલાએ ફરી એકવાર સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.