આદિવાસીઓની પારંપારિક જીવનશૈલીને આગળ વધારવા સરકાર કટિબદ્ધ
Live TV
-
આદિવાસીઓની પારંપારિક જીવનશૈલીને આગળ વધારવા સરકાર કટિબદ્ધ
રાજ્યના પૂર્વ પટ્ટાના 14 જિલ્લાઓમાં જોવા મળતી આદિવાસી સંસ્કૃતિની પારંપારિક જીવનશૈલી- વારસો આજે પણ અકબંધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આધુનિક અને વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી રાજ્યના વનબંધુઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સાથે જ રાજ્ય સરકાર આદિવાસીઓની પારંપારિક જીવનશૈલીને જાળવી રાખીને આગળ વધારવા કટિબદ્ધ છે.
રાજ્યના આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા આશયથી આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ સતત પ્રયાસો કરી રહ્યા છે. જેના ફલશ્રુતિરૂપે છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી ગુજરાતે આદિવાસી સમાજના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રે વિકાસના નક્કર કદમ ઉઠાવ્યા છે. અંતરિયાળ આદિવાસી ગામોમાં પીવાનું પાણી, શૈક્ષણિક સવલત, રહેવા માટે આવાસ, કમ્પ્યુટર પ્રશિક્ષણ, રોજગાર- સ્વરોજગારની નવતર દિશાઓ વિસ્તરી છે.
રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ પૈકીના હળપતિ સમુદાયના નાગરિકોને પણ વસવાટની મુશ્કેલીઓ ન પડે તેવા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા ‘હળપતિ આવાસ યોજના’ અમલી બનાવી છે. જેમાં વ્યક્તિગત ધોરણે મકાન સહાય થકી આવાસ દીઠ રૂ. 1.20 લાખની રકમ હપ્તાવાર ચૂકવવામાં આવે છે. વ્યક્તિગત ધોરણે મકાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં કુલ 12597 લાભાર્થીઓને રૂ. 113.36 કરોડની સહાય ચૂકવી છે હળપતિ આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 13,079 લાભાર્થીઓને રૂ. 163.90 કરોડની સહાય ચૂકવી છે.આ ઉપરાંત આદિજાતિ કન્યાઓની નાની ઉમરે થતા લગ્નને અટકાવવા અને લગ્ન પ્રસંગે સામાજિક કુરીવાજો પાછળ થતા ખર્ચને ઘટાડવા રાજ્ય સરકારે ‘કુંવરબાઈનું મામેરૂ યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં રૂ. 34.57 કરોડના ખર્ચે રાજ્યના 32,230 લાભાર્થીઓને લાભ અપાયો છે. વર્ષ 2024-25 ના બજેટમાં રકમ રૂ 12.50 કરોડની કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ‘સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે’ના મંત્રને સાકાર કરવા રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકોને પણ પોષણયુક્ત ભોજન મળે તેવા ઉમદા આશય સાથે આદિજાતિ વિસ્તારો-વિકાસશીલ તાલુકાઓની પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ફ્લેવર્ડ દૂધ આપતી ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે વિવિધ રોગમાં વિનામૂલ્યે તબીબી યોજનામાં આપવામાં આવતી સહાયમાં પણ વધારો કર્યો છે. અગાઉ કેન્સર અને એઈડ્સમાં દર માસે રૂ. 1000ની રકમ દર્દ મટે ત્યાં સુધી આપવામાં આવતા હતા જે હવે વધારીને રૂ. 2500 દર માસે દર્દ મટે ત્યાં સુધી આપવામાં આવે છે. પહેલા સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા રોગમાં દર માસે રૂ. 500 આપવામાં આવતા હતા જે હવે રૂ. 2500 ચુકવવામાં આવે છે. જયારે પ્રસુતિના ગંભીર કેસ અને ક્ષય રોગમાં રૂ.500ની જગ્યા હવે વધારીને રૂ. 2000 આપવામાં આવે છે. જયારે રક્તપિતમાં અગાઉ દર્દ માટે ત્યાં સુધી રૂ. 800 આપવામાં આવતા જે હવે રૂ. 2000આપવામાં આવે છે. વધુમાં સ્ત્રીઓના થતા પાંડુરોગ માટે કેસ દીઠ રૂ. 150 આપવામાં આવતા જે હવે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2000 ચૂકવવામાં આવે છે.
આમ આદિજાતિના તમામ વર્ગોના ઉત્થાનની રાજ્ય સરકાર સાચા અર્થમાં ચિંતા કરી રહી છે.
