આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન
Live TV
-
કોઈ પણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે 5 ડિસેમ્બરના રોજ સવારે 8 થી 5 વાગ્યા સુધી બીજા તબક્કાનું મતદાન યોજાશે. કોઈ પણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં. દરેક મતદારો પોતાની સાથે 12 પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને સરળતાથી મતદાન કરી શકે છે.
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જે માટે 833 ઉમેદવારો ચૂંટણી મેદાને છે, જેમાં 69 મહિલાઓ ઉમેદવારો પણ છે. 13 સીટો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ છે અને 6 સીટો અનુસુચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. પાટણ, નરોડા, બાપુનગર અને અમરાઈવાડી બેઠક ઉપર ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી બે-બે બેલેટ યુનિટ ગોઠવવામાં આવશે.
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, બીજા તબક્કાના મતદાનમાં કુલ 2,51,58,730 મતદારો છે.18 થી 19 વર્ષના જે પ્રથમ વખત મતદાન કરવાના છે, એવા યુવા મતદારોની સંખ્યા 5,96,328 છે. તો સતાયુ ઉમેદવારોની સંખ્યા 5,412 છે. બીજા તબક્કામાં કુલ મતદાન મથકો 26,409 છે. જેમાં 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકોનો સમાવેશ થાય છે. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ શહેરી મતદારોને ઉદાસીનતા ખંખેરીને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારોમાં વધુ મતદાન થયું હોવાનું પી.ભારતીએ જણાવ્યું હતું.