ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતએ આપ્યા દાહોદ તથા બનાસકાંઠાના લોકોને સારા સમાચાર
Live TV
-
દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શૈક્ષણિક હેતુ માટે સરકારી જમીન ફાળવણીની તમામ પાંચ અરજીઓ મંજૂર કરાઈ- ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત
રાજ્યના નાગરિકોને આરોગ્ય સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ થાય તે માટે માળખાગત સવલતોનું નિર્માણ કરવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૪૭ જેટલા આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે જમીનની ફાળવણી કરાઈ છે તેમજ આદર્શ નિવાસી શાળા માટે એક, એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ માટે ત્રણ અને સરકારી કુમાર છાત્રાલય માટે એક એમ કુલ તમામ પાંચ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ અને સરકારી કન્યા- કુમાર છાત્રાલય શરૂ કરવા જેવા શૈક્ષણિક હેતુ માટે સરકારી જમીન આપવા પાંચ અરજીઓ મળી છે. જેમાં આદર્શ નિવાસી શાળા માટે એક, એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ માટે ત્રણ અને સરકારી કુમાર છાત્રાલય માટે એક એમ કુલ તમામ પાંચ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તેમ ગૃહમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રીએ શૈક્ષણિક સંસ્થાઓને લઈને કહ્યું હતું કે, આ તમામ શૈક્ષણિક સંસ્થાઓને શૈક્ષણિક હેતુ માટે સરકારી જમીન ફાળવી દેવામાં આવી છે. આ સંસ્થાઓ લીમખેડા, ફતેપુરા અને ગરબાડા તાલુકામાં આવેલી છે. નગરપાલિકા કેટેગરીમાં રમત- ગમત મેદાન માટે ૬૦૦ ચો. મીટર તેમજ પ્રાથમિક શાળા માટે મહત્તમ બે એકરની મર્યાદામાં માત્ર એક રૂપિયાના ટોકન ભાડે 30 વર્ષના ભાડાપટ્ટે સરકારી જમીન આપવામાં આવે છે.
વિધાનસભા ખાતે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોના નિર્માણ માટે જમીનની ફાળવણીના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી એ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ૦૯ અને પેટા આરોગ્ય કેન્દ્રો માટે ૭૦ અરજીઓ મળી કુલ ૭૯ અરજીઓ મળી હતી. આ પૈકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ૦૭ અને પેટા આરોગ્ય કેન્દ્ર માટે ૪૦ મળી કુલ ૪૭ સ્થળો માટે સરકારી જમીનની ફાળવણી કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે, સરકારી જમીનની ફાળવણી ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ હેઠળ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારે ગૌચરની ખરાબાની જમીનમાંથી ગૌચર નીમ કર્યા બાદ જે જમીન વધે એ જમીન સરકારી બાંધકામ માટે ફાળવવામાં આવે છે અને આ જમીન ફાળવણીની સત્તા સ્થાનિક સ્થળે જિલ્લા કલેકટર તથા વધુ જમીનની માંગ હોય તો રાજ્ય કક્ષાએ મહેસુલ વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.