ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રાજ્ય વ્યાપી તપાસ, 691થી વધુ ખાદ્યવસ્તુઓના નમૂના લેવાયા
Live TV
-
નમુનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર શ્રી એચ.જી.કોશિયા એ જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહી તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમિત અસરકારક કામગીરી કરવામાં આવે છે. હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને ઓગસ્ટ માસ દરમિયાન 691 થી પણ વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવાયા છે. આ નમૂનાઓ ચકાસણી અને પ્રુથ્થક્કરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ છે તથા નમુનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકીંગ, સેમ્પ્લીંગ તથા સર્વેલેન્સ કામગીરીની સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા લોક જાગૃતિ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ તથા આમ નાગરિકો માટે તાલીમ આપવામાં આવી રહી છે અને ઓગસ્ટ માસ દરમિયાન કુલ 691 થી પણ વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવામાં આવ્યા છે.
1 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ, 2022 દરમિયાન રાજ્યવ્યાપી ખાદ્યતેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં 239 નમુનાઓ લેવામાં આવ્યા. જે પૈકી 71 વનસ્પતિ, 36 સીંગતેલ, 29 સરસીયું, 21 કપાસીયા તેલ 27 પામતેલ, 19 સોયાબીન તેલ તથા 25 અન્ય નમુનાંઓ લેવામાં આવ્યા છે.
રક્ષાબંધનના પર્વ નિમિત્તે કલરવાળી તથા ચાંદીના વરખવાળી મીઠાઇ બાબતે રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી અને 239 નમુનાઓ લેવામાં આવ્યા જે પૈકી 70 ચાંદીના વરખવાળી મીઠાઇ, 112 કલરવાળી મીઠાઇ અને 57 માવાની મીઠાઇઓનો સમાવેશ થાય છે. વધુમાં સર્વે અંતર્ગત વિવિધ દાળ અને કઠોળ આનુષંગિક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી છે જેમાં 224 નમુનાંઓ લેવામાં આવ્યા હતા. હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે.
