ગાંધીનગરમાં સાબરમતી બે કાંઠે, 10 ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના
Live TV
-
ગાંધીનગરમાં સાબરમતી બે કાંઠે, 10 ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે બુધવારે 17 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 વાગ્યે 7,075 ક્યુસેક્સ પાણીની આવક થઈ છે. સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલીને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં 10 ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી કિનારે ના જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે.
બુધવારે 17 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 વાગ્યે ધરોઈ બંધમાંથી 6,650 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહયું છે. ત્યાર પછી લાકરોડા બેરેજમાંથી 7,075 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહયું છે. સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ 55.50 મીટર છે. ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
