ગાંધીનગર : મંત્રી મુળુ બેરાના અધ્યક્ષ સ્થાને રાજયના પાંચ ગ્રંથાલયો અને ગ્રંથપાલોને સન્માનિત કરાયા
Live TV
-
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગ્રંથાલય નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા સ્વ શ્રી મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારંભ ગાંધીનગર ખાતે યોજાયો હતો.
સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે યોજાયેલ સમારંભમાં રાજયના પાંચ પુસ્તકાલય અને ગ્રંથપાલોને આ એવોર્ડથી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન – પર્યાવરણ મંત્રી મુળુ બેરાના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.
પારિતોષિક મેળવનાર સર્વે પુસ્તકાલય અને ગ્રંથપાલશ્રીઓને અભિનંદન પાઠવીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યુવા પેઢીને વાંચનની પ્રવૃત્તિ તરફ આકર્ષિત રહે તેવા ઉમદા ભાવ સાથે કામ કરી રહી છે. હાલમાં રાજયના 33 જિલ્લા અને 85 તાલુકા મથકોએ સરકારી ગ્રંથાલયો કાર્યરત છે. 2024-25ના વર્ષમાં રાજય સરકાર દ્વારા વાંચનપ્રવૃત્તિ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં માર્ચ- 2025 સુધીમાં 64 સરકારી ગ્રંથાલયો શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજયના 50 તાલુકા મથકો અને ૧૪ આદિજાતિ તાલુકાના મથકોએ નિર્માણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, પુસ્તકાલય વધુમાં વઘુ રાજયમાં કાર્યરત રહે તે માટે હાલમાં 3264 અનુદાનિત ગ્રંથાલયો સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. રાજય સરકારે વર્ષ- 2023માં 100 ટકા અનુદાન ચુકવવાનો નિર્ણય લીઘો છે. તેની સાથે 100 ટકા અનુદાનમાં વધારો કર્યો છે.
રાજય સરકાર દ્વારા ર્ડા. બાબાસાહેબ આંબેડકર સ્પર્ઘાત્મક સાહિત્ય યોજના અંતર્ગત સાર્વજનિક ગ્રંથાલયો અને સમાજ કલ્યાણ હસ્તકના આદર્શ નિવાસી શાળાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ઉપયોગી એવું સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી સાહિત્યની સુવિધા આપવામાં આવે છે. ચાલું વર્ષ આ યોજના હેઠળ રૂ. 95 લાખના ખર્ચ સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજયના કોઇપણ ખૂણામાં અભ્યાસ કરતાં અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી અને પુસ્તકપ્રેમી નાગરિકો માટે પુસ્તકાલયો સુવિધા પૂર્ણ બનાવવામાં આવી રહ્યા છે. વર્ષ- 2023માં રાજયમાં 10 જિલ્લા મથકો ખાતે સ્માર્ટ ગ્રંથાલયની સુવિધા આપવામાં આવી છે. આ વર્ષે ભાવનગર, ભુજ અને અમરેલી ખાતે સ્માર્ટ ગ્રંથાલયોની સુવિધા આપવામાં આવનાર છે. તેની સાથે રાજયના પાટનગરમાં રૂ. 20 કરોડના ખર્ચથી મહાનગરપાલિકાના સહયોગથી અદ્યતન ગ્રંથાલયના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં 28 સરકારી ગ્રંથાલયોના નવીન ભવનનું નિર્માણ કાર્ય રાજય સરકારે હાથ ધર્યું છે.
