રાજકોટ : ઓસમ ડુંગરની તળેટીમાં “સાહસિક પ્રવૃત્તિ પ્રોત્સાહન શિબિર” યોજાઈ
Live TV
-
રાજકોટ ઝોન કક્ષા સાહસીક પ્રવૃતિ પ્રોત્સાહન શિબિર 2024-25નું આયોજન ઓસમ ડુંગર તળેટી, પાટણવાવ, ધોરાજી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 130 થી વધુ યુવા મિત્રોને જંગલ ટ્રેકિંગ, પર્વતારોહણ, રોક ક્લાઈંમ્બિંગ, કેવીંગ, ઇમરજન્સી લેંન્ડીંગ, રૂટ ફાઈન્ડીંગ, રેસક્યુ વગેરે અંગે તાલીમ અપાઈ હતી.
આ શિબિરમાં ભાગ લેનાર અક્ષય ગરૈયાએ જણાવ્યું હતું કે, આ શિબિરમાં તમામ વિદ્યાર્થીઓએ અચુક ભાગ લેવો જોઈએ. પર્વતારોહણ, રોક ક્લાઈમ્બિંગ, કેવીંગ – કુદરતી કે માનવસર્જીત આપદા સમયે ગુફાઓમાં કેવી રીતે વસવાટ કરવો તે અંગેની તાલીમ મળી છે.
સત્યરાજ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ શિબિરમાં શીખવવામાં આવતી સ્કિલ દરેક નાગરિકો માટે ખુબ જરૂરી છે. આ શિબિરમાં અમને પ્રકૃતિને નજીકથી જોવા, જાણવા અને માણવાની તક મળી છે. પ્રાકૃતિક આપદાના સમયમાં પ્રકૃતિની સહાયતાથી બચવુ તથા અન્યોને બચાવવા જેવી તાલીમ અમને અહીં આપવામાં આવી હતી તેમજ આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી.
પ્રાકૃતિક તાલીમ શિબિરમાં ભાગ લેનાર રૂત્વી ડેર અને પ્રતિક્ષા રાવલની ટીમે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહન શિબિરમાં અમને ભાગ લેવા મળ્યો તે અમારા માટે ગર્વની વાત છે. આ શિબિરમાં અમને પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય તેમજ પ્રાકૃતિક વન્યજીવો વિષે માર્ગદર્શન પૂરું પડાયું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં ઓસમ પર્વત આવેલો છે. પ્રતિ વર્ષ વર્ષાઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી જોવા માટે પ્રવાસીઓ દુરદુરથી લોકો આવે છે. પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો આ ઓસમ પર્વત આ સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે.
રાજય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે અહીં બ્યુટીફિકેશન સહિતના વિકાસ કામો કર્યા છે જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયો છે.
