ગિફ્ટ સિટી 130 કરોડ ભારતવાસીઓને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક આપશે: પ્રધાનમંત્રી
Live TV
-
સોના ચાંદીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પણ શુભારંભ કરવામાં આવ્યો.
ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટીના નવા મુખ્યમથકનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સોના ચાંદીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પણ શુભારંભ કરવામાં આવ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટર અને સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ ત્રણેયનું જોડાણ થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરના વડામથકનું આ ભવન સ્થાપત્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ હશે જ, પરંતુ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટેના અવિરત અવસર પૂરા પાડનારું મુખ્યમથક પણ બની રહેશે. આ સેન્ટર સંસ્થા ક્ષેત્રમાં સંશોધનોને સહાયરૂપ બનશે. એટલું જ નહીં, વૈશ્વિકકક્ષાએ સેવાઓ પૂરી પાડનાર સેન્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ગિફ્ટ સિટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભારતની રિજનલ ઓફિસ, ત્રણ ફોરેન બેંક, ચાર નવા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઈનાન્સિંગ સર્વિસીસ પ્લેટફોર્મના શુભારંભ તેમજ ગિફ્ટ સિટીમાં કાર્યરત પાંચ ફિન-ટેક ફોર્મ્સને ઓથોરિટી સર્ટિફિકેટ આપવાના અવસરે 100થી વધારે બ્રોકર ડીલરને કાર્યરત કરવાના તેમજ ઇન્ડિયા આઈએનએક્સમાં 75થી વધારે બોન્ડ લિસ્ટિંગ કરવાના અવસરે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ માઇલસ્ટોન સાથે આપણે અનેક મહત્વપૂર્ણ પડાવોને પાર કર્યા છે. તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીથી ભારતના 130 કરોડ દેશવાસીઓને આધુનિક વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક મળશે. આપણો દેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, સિંગાપોર જેવા દેશોની હરોળમાં ઉભો છે, જ્યાંથી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું દિશાદર્શન અપાય છે. આ માટે તેમણે તમામ ભારતીયો તેમજ સિંગાપોરના દેશવાસીઓને પણ અભિનંદન આપતા કહ્યું હતું કે, આ પહેલથી બંને દેશો માટે સંભાવનાઓની નવી ક્ષિતિજો વિસ્તરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી. ત્યારે માત્ર વ્યાપાર કે આર્થિક ગતિવિધિઓ પૂરતી સીમિત ન હતી. ગિફ્ટ સિટી સાથે દેશના સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ જોડાયેલી છે. ભારતના ભવિષ્યનું વિઝન અને સપના ગિફ્ટ સિટી સાથે જોડાયેલા છે. જાન્યુઆરી 2013માં ગિફ્ટ સિટી માત્ર ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકેની ઓળખ ધરાવતી હતી. ગિફ્ટ સિટી એ એવો વિચાર છે જે તેના સમયથી ઘણો આગળ હતો. વર્ષ 2008માં સમગ્ર વિશ્વ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો અને મંદીનો સમય હતો ત્યારે દુર્ભાગ્ય એ હતું કે આવી અનિશ્ચિતતાઓના માહોલમાં ભારતનું પ્રતિનિધિત્વ નબળા હાથોમાં હતું. પરંતુ, ત્યારે પણ ગુજરાત ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા અને વિશાળ પગલા ભરી રહ્યું હતું. એ વખતે આવેલા ગિફ્ટ સિટીના વિચારે આજે વાણિજ્ય અને ટેકનોલોજીમાં મજબૂત ઓળખ ઊભી કરી છે. ગિફ્ટ સિટી વેલ્થ અને વિઝ્ડમ-બુદ્ધિ અને ધનસંપદાને પ્રજવલિત કરે છે. ગિફ્ટ સિટી માત્ર વાઇબ્રન્ટ ફાઇનાન્સિયલ ટેક સિટી નહીં પણ એક સારું બિઝનેસ વાતાવરણ અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંશોધનનું વિશાળ ક્ષેત્ર પૂરું પાડનારું કેન્દ્ર બની રહેશે. આ ક્ષેત્રના વ્યવસાયિકોને શ્રેષ્ઠ જીવન માટેના નવા નવા અવસરો આપવાનું માધ્યમ બની રહેશે. અહીં શ્રેષ્ઠ બુદ્ધિપ્રતિભા ધરાવતા લોકોને નવા અભ્યાસો અને સંશોધનોની સંભાવનાઓ રહેલી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારતના આર્થિક ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ બની રહેશે. સેંકડો વર્ષોથી ભારતના લોકો વ્યાપાર-વ્યવસાય માટે દુનિયાભરમાં પહોંચ્યા છે. દુનિયાનો એવો એક પણ દેશ નહીં હોય જ્યાં ભારતીયો નહીં પહોંચ્યા હોય. માદરે વતન વડનગરમાં હાલમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન ચાલી રહ્યું છે અને વર્ષો જૂના સિક્કાઓ અને અવશેષો મળી રહ્યા છે તેનો સંદર્ભ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વ્યાપારિક વ્યવસ્થા અને આર્થિક સંબંધો કેટલા વ્યાપક હતા તેનું તે ઉત્તમ ઉદાહરણ છે. આઝાદી પછી આપણી ક્ષમતાઓ, વિરાસત અને તાકાત ઓછા થવા માંડ્યા. માનસિક ગુલામીએ આપણને કમજોર કર્યા અને આપણા આત્મવિશ્વાસ પર અસર પહોંચી. વ્યવસ્થા અને સંસાધનો સીમિત થઈ ગયા. પરંતુ, આપણું નૂતન ભારત આ પુરાણી વિચારધારાને બદલી રહ્યું છે. આપણે વૈશ્વિક સંશોધનો સાથે જોડાઈ રહ્યા છીએ. આપણે વિકાસની વૈશ્વિક સંભાવનાઓ સાથે મહત્વપૂર્ણ જોડાણો કરી રહ્યા છીએ અને ગિફ્ટ સિટી એ વૈશ્વિક વિકાસની સંભાવનાઓ સાથે જોડાવાનું મહત્વપૂર્ણ ગેટવે છે. ગિફ્ટ સિટી એ ભારત અને વિશ્વની ઈકોનોમીને એકીકૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે એટલું જ નહીં ભવિષ્યમાં વર્લ્ડ ઇકોનોમીના નેતૃત્વ માટે ભારતે તૈયાર થવું પડશે. ગિફ્ટ સિટીમાં જે યોજનાઓ સાકાર થઈ છે એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ભાવિ ભૂમિકાને પહોંચી વળવા સમર્થ છે.
સુવર્ણ ભારતીય મહિલાઓની આર્થિક શક્તિનો મોટું અને મહત્વનું માધ્યમ છે. સુવર્ણ ભારતની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે એમ કહીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત સોના અને ચાંદીનું મોટું માર્કેટ છે પણ ભારતની ઓળખાણ માત્ર આ જ નથી. ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ એ સોના-ચાંદી ક્ષેત્રે ભારતની મહત્વના માર્કેટ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરશે. તેમણે કહ્યું હતું કે, ભારતના જ્વેલર્સને પોતાના વ્યાપાર વ્યવસાય વિસ્તારવાની નવી તકો આ માર્કેટ આપશે. એટલું જ નહીં, સોના-ચાંદીના વૈશ્વિક બજાર સાથે સીધો અને પારદર્શી વેપાર કરવાની નવી તકો પણ અહીં મળશે. ભારતના વેપારીઓ આંતરરાષ્ટ્રીય ભાવનિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. એટલું જ નહીં, સોના અને ચાંદીની આંતરરાષ્ટ્રીય કિંમતોના નિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકશે.
ભારતમાં અત્યારે સીધું વૈશ્વિક મૂડીરોકાણ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) રેકોર્ડ સંખ્યામાં આવી રહ્યું છે એનું કારણ છે કે, ભારતે ઉત્પાદકતા વધારી છે. ભારતની તાકાતથી આખા વિશ્વને લાભ થઈ રહ્યો છે. મૂડી રોકાણકારોને સારો નફો મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અનેક અનિશ્ચિતતાઓને કારણે દુનિયા આશંકિત છે. એવી પરિસ્થિતિમાં ભારત દુનિયાને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત સેવાનો ભરોસો આપી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે, ‘ભારત એટલે લોકલ વેલફેર માટે ગ્લોબલ કેપિટલ અને ગ્લોબલ વેલફેર માટે લોકલ ઉત્પાદન’નો અદભુત સમન્વય છે. ભારત પાસે લોકલ કનેક્ટ સાથે ગ્લોબલ ફૂટપ્રિન્ટ છે. નવી વ્યવસ્થાઓથી ભારત પાસે મોટી અપેક્ષાઓ ઊભી થઈ છે એમ કહીને તેમણે કહ્યું હતું કે, મને પૂરો ભરોસો છે કે, આ અપેક્ષાઓને આપણે પહોંચી વળીશું.
વિશ્વમાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં ભારત 40 ટકા હિસ્સેદારી ધરાવે છે. ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની આ તાકાત દુનિયાને આકર્ષી રહી છે, એમ કહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા નવા સંશોધનો થવા જોઈએ. આ માટે આપણે નવા લક્ષ્યાંકો આપણી જાત સામે મૂકવા જોઈએ. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી ફાઇનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની લેબોરેટરી બને. તેમણે કહ્યું હતું કે, સફળતા અને સેવા એકબીજાના પર્યાય છે. ‘જગ કલ્યાણ’થી ‘જન કલ્યાણ’ એ આપણી વિભાવના છે. ત્યારે સાતત્યપૂર્ણ વિકાસ માટે ભારતે અનેકવિધ પગલાંઓ લીધા છે. નેટ ઝીરો કાર્બન એમિશનનું લક્ષ્યાંક પૂર્ણ કર્યું છે. ગતિશક્તિ માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. આ રીતે વિકાસની અસીમ સંભાવનાઓ ઊભી કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો અને ગુજરાત સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારની નીતિઓ ગિફ્ટ સિટીના વિકાસ માટે પૂરક અને પોષક બની છે.
