ગુજરાતમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ, IMD એ આ જિલ્લાઓમાં ચેતવણી કરી જાહેર
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 4 તાલુકામાં 10 થી 12 ઇંચ વરસાદ નોંધાયો છે
હાલમાં, ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે IMD એ ગુજરાત માટે આગામી દિવસો માટે વસસાદને લઈ માહિતી જાહેર કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 4 તાલુકામાં 10 થી 12 ઇંચ વરસાદ નોંધાયો છે, 8 તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, 32 તાલુકામાં 4 થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, મહિસાગર, મોરબી, તાપી અને પંચમહાલમાં સૌથી વધુ વરસાદ થયો છે.
IMD એ આ જિલ્લાઓમાં ચેતવણી જારી કરી છે
આજે 26 ઓગસ્ટે હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ અને બાકીના 26 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ 27 ઓગસ્ટે ગુજરાતમાં 7 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ, 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય તમામ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગે 28 ઓગસ્ટે ગુજરાતના 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બાકીના 17 જિલ્લામાં યલો એલર્ટ છે.
ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 88.98 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 105.22 ટકા, કચ્છમાં 95.81 ટકા, સૌરાષ્ટ્રમાં 90.82 ટકા, મધ્ય પૂર્વમાં 77.88 ટકા અને ઉત્તર ગુજરાતમાં 70.74 ટકા વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં સતત મુશળધાર વરસાદને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.26 મીટરે પહોંચી છે, જેના કારણે ડેમના 15 દરવાજા ખોલીને 3,67, 853 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ ભરૂચ, વડોદરા અને નર્મદા નદીના બંને કિનારે આવેલા નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRF-SDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં પૂરની સ્થિતિને જોતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને આજે બપોરે 12:30 કલાકે કંટ્રોલ રૂમમાં બેઠક કરશે. આ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે અને રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા કરશે.