મુશળધાર વરસાદમાં મોરબીના ગામમાં 17 મજૂરોથી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે
ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં 16 ઇંચ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યો છે. તો મોરબીમાં એક ટ્રેક્ટર કૉઝવેમાં તણાયુ હોવાની ઘટના સામે આવી છે, માહિતી પ્રમાણે આ ટ્રેક્ટરમાં 17 લોકો સવાર હતા અને 17 લોકોને લઇને જઇ રહેલું ટ્રેક્ટર અચાનક કૉઝવેમાં તણાઇ ગયુ હતું, જોકે શોધખોળ બાદ 10 લોકોનો બચાવ થયો હતો. જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને નદી-નાળા છલકાઇ ગયા છે. ગઇકાલે મોરબીના ઢવાણા નજીક એક કૉઝવેમાં 17 મુસાફરોને લઇને જઇ રહેલું એક ટ્રેક્ટર અચાનક કૉઝવેના પાણીમાં ફસાઇ ગયું હતું. આ પછી પાણીનો વેગ વધતા ટ્રેક્ટર તણાયું હતું. જેની માહિતી મળતા તુરંત NDRF અને SDRF ની ટીમો બોલાવી હતી. બન્ને ટીમોએ આખી રાત આ 17 લોકોની શોધખોળ કરી હતી.
આ ઘટનામાં હજુ પણ જેટલા ગુમ લોકો છે, તે લોકોને શોધવા રેસક્યું કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં ટ્રેકટર ચાલકને પાણીના પ્રવાહમાંથી ટ્રેકટર ન કાઢવા અન્ય ગ્રામજનો એ કહ્યું હતું. છતાં પણ ટ્રેકટર ચાલક એ કોઈની વાત સાંભળી ન હતી અને ટ્રેકટરને પાણીના પ્રવાહમાંથી પસાર કરવા કોશિશ કરી હતી જેને કારણે આ ઘટના સર્જાઈ હતી. તેવુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.