ગુજરાતમાં સરકારી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
ગણેશ ચતુર્થી અને સંવંત્સરીના પાવન પર્વે સાક્ષર ભૂમિ નડિઆદની જનતાને રૂ. ૪૨.૩૦ કરોડના વિકાસ કામોની સોગાદ આપતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિકાસના પાયા મજબૂત રીતે નાખ્યા હોવાથી આજે આપણા રાજ્યની વિકાસ યાત્રા દેશ અને દુનિયા નિહાળી રહી છે. ગુજરાતમાં સરકારી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. તેના કારણે જ ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં હરફાળ ભરી રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, માર્ગો, વીજળી અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ ગુજરાતના દરેક ખુણામાં પહોંચી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અંદાજે રૂ.૨૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવા સાથે નડિયાદ, માતર અને વસો તાલુકામાં જન સુવિધા અને જનસુખાકારીના રૂ.૧૫.૩૦ કરોડના વિકાસ કામો સહિત કુલ રૂ.૪૨.૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું કે, પહેલા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો. જે આજે ઘટીને માત્ર ૩ ટકા જેટલો જ રહ્યો છે. તેની સાથે આરોગ્ય ક્ષેત્રે પણ સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જન આરોગ્યની ખેવના માટે ગામેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. તેનાથી ગ્રામીણોને ઘર આંગણે આરોગ્યની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે.
રાજ્યની સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારી સરકારે આ ચાલું નાણાકીય વર્ષનું બજેટ સૌથી મોટા કદનું આપ્યું હતું. તે બાબત રાજ્યના સર્વાંગી વિકાસને દર્શાવે છે. શ્રેષ્ઠ નાણાંકીય વ્યવસ્થાપન માટે નીતિ આયોગના રિપોર્ટ પણ ગુજરાતને નંબર વન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું કે, ગુજરાત વિકાસની વધુ તેજ ગતિથી આગળ વધે તે માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સરકારની વિવિધ લોકકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હોવાથી ગુજરાતને ડબલ એન્જીન સરકારનો લાભ મળી રહ્યો છે.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જિલ્લાના પ્રભારી અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ,અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા, ધારાસભ્યોસર્વ કેસરીસિંહ સોલંકી,કાંતિભાઈ પરમાર, ઈન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા ભાજપા પ્રમુખ વિપુલભાઈ પટેલ, જાનવીબેન વ્યાસ, ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો,સરપંચો,અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
