ગુજરાતમાં હીટવેવ યથાવત, આવતીકાલે 9 જિલ્લામાં ગરમીનું ઓરન્જ-યલો એલર્ટ, 40-43 ડિગ્રી તાપમાનની આગાહી
Live TV
-
ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં આજે હવામાન વિભાગે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું હતું. રાજ્યમાં ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બુધવારે (12મી માર્ચે) 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બે અને ઉત્તર ગુજારાતના એક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 2 દિવસ તાપમાનનો પારો 40-43 ડિગ્રી રહેવાની આગાહી છે. જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે 12મી માર્ચ, 2025ના રોજ કચ્છ, મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરત જિલ્લામાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભુજમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી, ભાવનગરમાં 39.2 ડિગ્રી, રાજકોટમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
જ્યારે અમદાવાદમાં 21.8 ડિગ્રી, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 22.8 ડિગ્રી, વડોદરામાં 22 ડિગ્રી, ભાવનગરમાં 23.8 ડિગ્રી, રાજકોટમાં 21.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.