ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકામાં મેઘમહેર
Live TV
-
આગામી 10 જુલાઈ સુધી ભારે વરસાદની અગાહીને લઈને લોકોને સતર્ક રહેવા તંત્ર દ્રારા જરૂરી સૂચના પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકામાં મેઘમહેર થઈ છે. વલસાડના કપરાડામાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપીમાં સવા 6 ઈંચ, ધરમપુરમાં સાડા પાંચ ઈંચ, પારડીમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટના જામકંડોરણામાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે નવસારીના ખેરગામમાં છ ઈંચ, કચ્છના માંડવીમાં પોણા પાંચ ઈંચ, ભુજમાં સવા ચાર ઈંચ, જામનગરના જોડિયામાં સવા ચાર ઈંચ, દેવભુમિ દ્વારકા તાલુકામાં ચાર ઈંચ તો જુનાગઢના ભેસાણમાં અને મેંદરડામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
આગામી 10 જુલાઈ સુધી ભારે વરસાદની અગાહીને લઈને લોકોને સતર્ક રહેવા તંત્ર દ્રારા જરૂરી સૂચના પણ આપવામાં આવી છે. વલસાડમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. NDRFની ટીમે વલસાડ શહેરમાં રેલવે અંડરપાસ છીપવાડ દાણા બજાર, રેલવે અંડરપાસ, મોગરવાડી રેલવે ગરનાળા, તરીયાવાડ, હનુમાનભાગડા, બંદર, ઔરંગ નદી સહિતના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી.
અરવલ્લીમાં વરસાદની વાત કરવામાં આવે તો બાયડ પંથકમાં સરેરાશ 9 ટકા, ધનસુરામાં 16, માલપુરમાં 5 ટકા, મોડાસામાં 16 ટકા, ભિલોડામાં 11 ટકા, જ્યારે મેઘરજ પંથકમાં 11 ટકા વરસાદ નોંધાયો છે. આગામી 10 તારીખ સુધી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ છે. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમા 31 mm, ટંકારામાં 25 mm, માળીયામાં 50 mm, વાંકાનેરમાં 15 mm, હળવદમાં 19 mm વરસાદ થયો હતો.
કચ્છમાં સતત વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. નાની નદીઓમાં પાણીની આવક થવાને કારણે ગામના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે તથા ગામોને જોડતા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRF ની ટીમ આવી પહોંચી છે. ભુજ તાલુકાના માધાપરમાં NDRF ટીમ આવી પહોંચી છે, જે તમામ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેશે.
