પ્રધાનમંત્રી 15 જુલાઈએ સાબરકાંઠામાં રૂ.1,005 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે
Live TV
-
ચીઝ પ્લાન્ટ સહિત દૂધનો પાઉડર પ્લાન્ટ અને દૂધ પેકિંગના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈએ સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠાના હિંમતનગર ખાતે ચીઝ પ્લાન્ટ સહિત દૂધનો પાઉડર પ્લાન્ટ અને દૂધ પેકિંગના કુલ 1,005 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી હિંમતનગરમાં એક સભાને પણ સંબોધશે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર ભારતના પ્રધાનમંત્રી આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત રૂ.125 કરોડના ખર્ચે અતિ આધુનિક છ માસ માટે સાચવી શકાય તેવું પેકિંગ પ્લાન્ટનું અને 300 કરોડથી વધુ ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક પાવડર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર વહીવટી તંત્ર અત્યારથી જ પ્રધાનમંત્રીને આવકારવા કામે લાગ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે જિલ્લામાં સ્થળ તપાસ કરીને વિવિધ સલાહ સૂચનો આપ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરીને તમામ બાબતોની જાણકારી મેળવી હતી. વહીવટી તંત્ર પણ પ્રધાનમંત્રીને આવકારવા તૈયારી કરી રહ્યું છે.
