ગુજરાતમાં યોજાશે 36મી નેશનલ ગેમ્સ 2022, 25,000થી વધુ રમતવીર ભાગ લેશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આગામી 27 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સ યોજાશે.
36મી નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં યોજાશે, જેમાં 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન પ્રતિષ્ઠિત 36મી નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આગામી 27 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સ યોજાશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા 6 શહેરોને આવરી લેતા વિવિધ રમતગમતની સ્પર્ધાઓ રાજ્યભરમાં રમાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રસ્તાવનો સ્વીકાર કરવા બદલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.
નેશનલ ગેમ્સ છેલ્લે વર્ષ 2015માં કેરળમાં આયોજિત કરવામાં આવી હતી. કોરોના સહિતના વિવિધ કારણોસર, 7 વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સ 2022 મુલતવી રહેવાના કારણે અને નેશનલ ગેમ્સ સાત વર્ષ બાદ યોજાતી હોવાને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે નેશનલ ગેમ્સના યજમાન બનવા માટે ઈન્ડિયન ઓલિમ્પિક એશોસિએશનનો સંપર્ક કર્યો હતો. એથ્લેટીક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લૉન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કુશ્તી, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા અને યોગાસન સહિત 34 થી પણ વઘુ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં દેશના 7000થી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે અપેક્ષા છે.
રાજ્યએ તાજેતરમાં 55 લાખની રેકોર્ડ રજીસ્ટ્રેશન સાથે 11મા ખેલ મહાકુંભનું સમાપન કર્યું હતું. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સેક્રેટરી, જનરલ રાજીવ મહેતાએ નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુજરાત આ આયોજન માટે બિલકુલ તૈયાર છે. તેમણે ગૌરવશાળી નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટેના રાજ્ય સરકારના સક્રિય અભિગમની પણ પ્રશંસા કરી હતી.
