મુખ્યમંત્રીએ મહેસાણામાં સૌ પ્રથમ વાર આયોજીત સાયન્ટિફિક એકસ્પો 'ગરવી ગુજરાત 2022 મેગા એક્ઝિબિશન'નું કર્યું ઉદ્ધાટન
Live TV
-
ગરવી ગુજરાત 2022 અને “75 આઝાદી કા અમૃત મહોત્સવ” અતંર્ગત હાઈસ્કૂલ – કોલેજનાં યુવા વર્ગની જીજ્ઞાસાઓને વધારવા માટે, સૌ પ્રથમ વાર મહેસાણા શહેરમાં સાયન્સ એન્ડ સાયન્ટિફિક ટેક્નોલૉજી એક્સ્પોનું રાજવંશી ફાર્મ, મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે મહેસાણા જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. તમામ વિશિષ્ટતા ધરાવતા મહેસાણા જિલ્લામાં સાયન્ટિફિક પ્રદર્શન યુવાનોને ઉત્સાહ અને પ્રેરણા આપશે. આ એક્સપોના આયોજન બદલ અભિનંદન પાઠવી સરકાર દ્વારા માછીમારોને પણ કિસાન ક્રેડિટ યોજનાનો લાભ આપવાનું જણાવી રૂપાલાએ લોકોને ખાસ પ્રાકૃતિક અને જૈવિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશુપાલકોનો વિકાસ થાય તે માટે દેશભરમાં રૂપિયા 13,000 કરોડના ખર્ચે પશુઓને રસી આપી ક્રાંતિ સર્જી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી, નવી ટેકનોલોજી સાથે પશુપાલન ક્ષેત્રના વ્યવસાયને અપનાવી રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે જરૂરી છે.
આ પ્રસગે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સાયન્ટિફિક એક્સ્પો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને અમૃતકાળમાં લઈ જવા માટે અને દેશની 5 ટ્રીલીયનની ઇકોનોમી કરવા માટે યુવાઓને પ્રોત્સાહન તથા ટેકનોલોજીના જ્ઞાન માટે યોજવામાં આવ્યો છે. દેશમાં 72,000 સ્ટાર્ટઅપ કાર્યરત છે. ગુજરાત ત્રીજી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ બન્યું છે. આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સુસંગત આ કાર્યક્રમ યુવાઓ માટે આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા રૂપ બની રહેશે.
8 જુલાઈ થી 11 જુલાઈ સુધી ચાલનારા આ એક્સ્પોમાં જુદાં-જુદાં સ્ટોલ જેવા કે, સ્પે. ડીસ્પ્લે - આત્મ નિર્ભર ભારત, વિકલાંગ અને પછાત વર્ગ માટે સ્પે. સ્કીમ, ઇકો ફેન્ડલી પ્રોડક્ટ નું પ્રદર્શન, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ વસ્તુઓ પ્રત્યે સ્પે. આકર્ષણ, એગ્રીકલ્ચર અને ફુડ પ્રોસેસીંગ, ડેરી, એનીમલ હસબન્ડ્રી અને ફીસરીઝ, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વન ડીસ્ટ્રીક્ટ - વન પ્રોડક્ટ લોકલ ફોર વોકલને આકર્ષક પ્રોડક્ટ ઉત્પાદનોનાં 15 જેટલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
ઉદ્ઘાટન સમારોહમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
