જામનગરના લતીપુર ગામે મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્રારા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-૨૩ કાર્યક્રમનો શુભારંભ
Live TV
-
આજથી રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-૨૩ કાર્યક્રમની શરુઆત થઈ છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના લતીપુર ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. કાર્યક્રમમાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ, દાતાઓ, SMC નાં સદસ્યો, આગેવાનો શિક્ષકગણ, આંગણવાડીના બહેનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લાના લતીપુર તાલુકા શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.૧ માં ૫૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. કૃષિમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ૩૦ જેટલા ભૂલકાંઓને રમકડાંની કીટ આપી સુખડી અને ચોકલેટથી મો મીઠું કરાવીને પાપા પગલી કરાવી હતી. તેમજ આંગણવાડીના બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણનું પ્રથમ પગથિયું આંગણવાડી છે અને પ્રાથમિક શિક્ષણએ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ઊંચુ લાવવાના સતત પ્રયાસો કરી રહી છે. અને તેમના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિથી માંડીને વિદેશ જવા સુધીની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે. કન્યા કેળવણી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અવ્વલ છે. વધુમાં કૃષિ મંત્રીએ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓને સૂચન આપતા જણાવ્યું હતું કે પેટે પાટા બાંધીને પણ તમારા બાળકોને ભણાવજો, ભવિષ્યમાં તેનું વળતર વ્યાજ સાથે મળશે. તેમજ શિક્ષકોને પણ ગુણોત્સવ પર ભાર આપવા તેમજ અભ્યાસક્રમથી માંડીને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં બાળક અવ્વલ રહે તે પ્રકારે શિક્ષણ આપવા જણાવ્યું હતું. બાદમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
