દાહોદમાં NTPC કંપનીના સોલાર પ્લાન્ટના ગોડાઉનમાં આગ, કારણ અકબંધ
Live TV
-
દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.
દાહોદના ભાટીવાડા ખાતે નિર્માણાધિન NTPC કંપનીના પ્રોજેક્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. NTPC કંપની દ્વારા સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીએ કહ્યું હતું કે, 'ભાટીવાડા ગામમાં NTPCના સોલાર પ્લાન્ટના સામગ્રી સંગ્રહિત કરતા ગોડાઉનમાં આગ લાગી હતી. આગમાં લગભગ આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું.
આખી રાત આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, ઘટનાસ્થળે હાજર લગભગ સાતથી આઠ કર્મચારીઓ અને ચાર સુરક્ષા ગાર્ડને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિના થઈ નથી. અધિકારીએ કહ્યું કે, 'આનાથી ગોડાઉનને ભારે નુકસાન થયું છે. આગ બુઝાવવાની કામગીરી આખી રાત ચાલુ રહી અને મંગળવારે સવાર સુધીમાં આગ લગભગ કાબુમાં આવી ગઈ હતી. દાહોદના પાડોશી ગોધરા, ઝાલોડા અને છોટા ઉદેપુરથી ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
સામાન બળીને રાખ થઈ ગયો
રાત્રિના સમયે લગભગ 9.45 વાગ્યે બચાવ કામગીરી શરૂ થઈ હતી, પરંતુ હવાના દબાણને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ગોડાઉનમાં રાખેલ તમામ સામગ્રી બળીને રાખ થઈ ગઈ હતી, જેના કારણે મોટું નુકસાન થયું હતું.